બાલાસિનોર વિરપુર રોડ પર રોડના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેથી દિવસ દરમિયાન આ રોડ પરથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધૂળ ઉડતા દુકાનદારો ત્રાસી ગયા છે. જેથી બાલાસિનોરના પ્લસ પોઈન્ટ પાસે આજે સવારે કેટલાક વેપારીઓએ એકઠા થઈ રોડનો ચક્કાજામ કર્યો હતો. જેથી રોડ પરથી પસાર થતાં વાહનો થોભી જતાં ટ્રાફિક જામ થયો હતો.
બાલાસિનોરમાં વેપારીઓએ રોડ કર્યો ચક્કાજામ - balasinor
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં વિરપુર રોડના રિનોવેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ કારણોસર આસપાસના દુકાનદારોએ આજે રોડ ચક્કાજામ કર્યો હતો.
બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિકાસપથ મુખ્ય રસ્તાનું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા આ કામ ધીમી ગતિએ ચાલતા રોડ પરની દુકાનોના માલિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોની અવરજવરથી ધૂળ ઉડતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અગાઉ એક અઠવાડીયા પહેલા પણ આ મામલે વેપારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
સમગ્ર બાબતને લઇને વેપારીઓએ ફરીથી એકવાર કંટાળીને રોડ પર વાહનો મૂકી આજે રોડને બ્લોક કર્યો હતો. રોડ બ્લોકથી ટ્રાફિક સર્જાતા વાહનોની લાંબી લાઇન લાગી હતી. હાલમાં બોર્ડની પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પણ આ તકલીફનો સામનો કરવો પડ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા મોડુ થતાં વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા. આ મામલે પોલીસને જાણ કરતાં બાલાસિનોર PSI પી.જે.પંડયા સ્ટાફ સાથે આવી વેપારીઓને સમજાવી મામલો થાળે પાડી અને ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો.