મહીસાગર : જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લુણાવાડા, બાલાસિનોર, વીરપુર અને સંતરામપુરમાં આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં 24 જેટલા બેડ રાખવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લા કલેક્ટરે આઈસોલેશન વૉર્ડની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી - WHO
WHO દ્વારા કોરોના વાયરસને કારણે ઉભી થયેલ બીમારીને વિશ્વ કક્ષાએ મહામારી ઘોષિત કરી છે. જેથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સાવચેત છે અને સરકાર દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે સમગ્ર ગુજરાતમાં આઈશોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેની જિલ્લા કલેક્ટર આર.બી.બારડે મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી છે.
મહીસાગર જિલ્લામાં કોરોના વાયરસના લક્ષણવાળો કોઈ દર્દી જોવા મળે, તો તેને પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ પ્રકારની વ્યવસ્થા આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. જેનું નિરીક્ષણ કરવા મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે લુણાવાડા ખાતે જનરલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન વૉર્ડની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચનો કર્યા હતા.
આ સમગ્ર મુલાકાત દરમ્યાન જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ અને જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેડન્ટ નીતા શાહ દ્વારા કલેકટર સાથે કોરોના વાયરસનો કોઈપણ સંક્રમિત દર્દી મળે તો તેની સારવાર માટેની સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરી હતી.