મહીસાગરઃ કોરોના કહેરની વિકટ પરિસ્થિતિમાં નાના રોજગાર ધંધા બંધ રહેવાના કારણે નાના વ્યવસાયકારો, વેપારી અને શ્રમિકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તેવા સમયે રાજ્ય સરકારે આર્થિક મુશ્કેલીઓ અનુભવી રહેલા નાના માણસો માટે આશાનું કિરણ બનીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
મહિસાગરમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને નાના વ્યવસાયકારો આવકારી રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૂ. 5000 કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેના થકી રાજ્યના 10 લાખથી વધુ નાના ધંધા રોજગાર કરતાં વ્યવસાયકારોને 2 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળશે. આ યોજના હેઠળ 21 મેથી રાજ્યની સહકારી બેંકો તથા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીઓમાં શરૂ થશે. 2 ટકાના નજીવા દરે ધિરાણ મળવાથી લાખો શ્રમિકોને સીધો ફાયદો મળશે.
મુખ્યપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે મહિસાગર જિલ્લાના વ્યવસાયકારો પ્રતિભાવ આપતા જણાવે છે કે, લુણાવાડાના પિયુષ ભાટિયા કહે છે કે, હું હેર કટીંગ સલૂન ચલાવું છું. લોકડાઉનના કારણે મારો ધંધો છેલ્લા 2 મહિનાથી બંધ છે. ક્યારે લોકડાઉન ખુલશે તે નક્કી નથી. દુકાનનું ભાડું તેમજ અન્ય ખર્ચાઓથી અમારી પાસે જે બચત હતી તે ધીમે ધીમે પૂરી થઈ રહી હતી. આવા સમયે સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં 1 લાખની લોન માત્ર 2 ટકાના દરે ધિરાણ મળશે જેના કારણે અમારા ધંધાને આગામી સમયમાં વેગ મળશે.
3 વર્ષના ગાળામાં તે લોન પરત કરવાની હોવાથી અમોને લોન ભરવામાં ઘણી મદદ મળશે અને અમે આત્મનિર્ભર બનીશું. અમારા જેવા નાના રોજગાર ધંધા વાળા લોકો માટે યોજના અમલમાં મૂકી તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું.