ગોધર પશ્ચિમ ગામની દસ મહિલાઓએ સર્વોપરી સખી મંડળની રચના કરીને પોતાના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ વર્મી કમ્પોસ્ટ યુનીટ બનાવ્યું છે. સાથે જ સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન શરૂ કર્યુ છે. આ અંગે પોતાના પ્રતિભાવો આપતા મંડળના પ્રમુખ રેખા પટેલે જણાવ્યું કે, અમે દસ બહેનોએ સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરવા માટે 30 ફૂટ લંબાઇના ત્રણ ફૂટ પહોળા અને બે ફૂટ ઉંચા પંદર બેડ બનાવ્યા હતા. તેમાં છાણીયુ ખાતર, વૃક્ષોના પાન તેમજ અળશીયા નાખીને બેડ પર શણના કોથળા ઢાંકી પાણીનો છંટકાવ કરી ગ્રીન નેટ નીચે રાખવામાં આવ્યા છે. જેમાં 40 થી 45 દિવસે વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય છે. જેને ચાળીને તેની બેગો તૈયાર કરવામાં આવે છે.
મહીસાગરમાં સખી મંડળોએ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને નવતર પહેલ હાથ ધરી - Women
મહીસાગર: જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના ગોધર ગામમાં મહિલા સશક્તિકરણની દિશામાં નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગામના સર્વોપરી સખી મંડળે રાજ્ય સરકારમાં બાગાયત વિભાગ દ્વારા સેન્દ્રીય ઈનપુટ ઉત્પાદન એકમ યોજના અંતર્ગત વર્મી કમ્પોસ્ટ યુનિટ ઉભું કરવામાં આવ્યું છે.
સખી મંડળના ખજાનચી પ્રેમીલા પટેલે જણાવ્યું કે, 15 બેડનું આ યુનીટ 90 હજાર રૂ.ના ખર્ચે તૈયાર થયું હતું. બાગાયત વિભાગની યોજના અનુસાર 50% સહાય મળનાર છે. આ ઉપરાંત અમે 300 બેગ ખાતરનું ઉત્પાદન કર્યું છે. તેમાંથી 100 બેગો અમારા સખી મંડળની બહેનોએ પોતાની ખેતીમાં ઉપયોગ કર્યો છે. બાદની 200 બેગોનું 50 હજારનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવ્યો છે.
સખી મંડળના મંત્રી કોકીલાબેન વાળંદે જણાવ્યું કે, સખી મંડળ દ્વારા સરકારની યોજનાઓનો લાભ મેળવીને આર્થિક ઉત્થાનની દિશામાં આગળ વધી શકાય છે. અમારા સખી મંડળની જેમ અન્ય બહેનો પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાના પરિવારનું જીવન ધોરણ ઉંચું લાવી શકે છે. ગોધર ગામની મહિલાઓએ સખી મંડળ દ્વારા વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીને પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.