મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. તો મહિસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસતા ખેત વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યુ છે. તેમજ ખેડૂતો ડાંગરના ધરૂનું વેચાણ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો પોતે ઉગાડેલ ડાંગરનું ધરૂનું અન્ય ખેતરોમાં રોપણી કરી રહ્યા છે. તેમજ આગામી સમયમાં પાકની ઉપજ સારી મળશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.
મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહિસાગરઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગરમાં મેઘ મહેર થતાં જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
રાજ્યમાં સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર તેમજ વિરપુર તાલુકાના વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.
જેથી ખેડૂતોએ તેમને વાવેલા ડાંગરના ધરૂ તૈયાર થતા તેને ઉપાડી બીજા ખેતરોમાં રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ સારો અને ચોમાસુ પાક માટે અનુકૂળ બનતા ખેડૂતોએ ખેતરોમાં નિંદામણ, ખાતર નાખવુ, પાણીના ઢાળીયા બનાવી પાકને એક સરખુ પાણી મળી રહે તેવા કામે લાગ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 122 mm નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં 218 mm થી વધુ અને 27.83 ટકા વરસાદ વરસ્યો છે.