મહીસાગરઃ કડાણા ડેમ બન્યાને 50 વર્ષ ઉપરનો સમય વીતી ચુક્યો છે, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા અવાર નવાર ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરામત કામગીરી હાથ ધરવામાં આવે છે. ગત્ત વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ લાખો કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ તટ વિસ્તારમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને કરોડોના ખર્ચે સમારકામની કામગીરી સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કડાણા ડેમના વિસ્તારમાં ખાડાના સમારકામમાં વપરાયેલી નેટ હાડોડ પુલ પાસેથી મળી, કામગીરી પર સવાલ - કડાણા ડેમ
કડાણા જળાશયના તટ વિસ્તારમાં પડેલા ઊંડા ખાડાની રૂપિયા 3 કરોડના ખર્ચે ગત્ત જૂન માસ દરમિયાન થયેલી સમારકામની કામગીરીમાં વપરાયેલી નેટ 40 કિમી દૂર હાડોડ પુલ પાસેથી મળતાં કામગીરી અંગે સવાલો ઉભા થયા છે.
ગત્ત સપ્તાહમાં કડાણા ડેમમાંથી પાણી છોડાયા બાદ મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ડેમથી 40 કિમીના અંતરે આવેલા હાડોડ બ્રિજ સહિતના બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા. પુરના પાણી ઓસર્યા બાદ પુલ પર ગત્ત જૂન માસમાં ડેમના તટ વિસ્તારમાં થયેલી સમારકામની કામગીરીમાં વપરાયેલ જાળી તણાઈ આવતા કામગીરી શંકાના ઘેરામાં આવી અને અનેક સવાલો ઉઠ્યા છે. ડેમમાંથી છોડેલું પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ થયેલા બ્રિજ પાસે કડાણા ડેમ સમારકામમાં વપરાયેલી જાળી નદીના પાણીમાં તરતી જોવા મળી રહી છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સરકાર દ્વારા ખાડાના સમારકામમાં વપરાયેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા, જે જાળી તરતી જોવા મળે છે તે જ જાળી સમારકામ વખતે ઉપયોગમાં લેવામાં આવી હતી તો શું ડેમનું સમારકામ નષ્ટ થઈ ગયુ હશે?
જે સમારકામની કામગીરી કરવામાં આવી તેમાં ગુણવત્તા જાળવવામાં નહીં આવી હોય, એવા કેટલા સવાલોના જવાબ તો જ્યારે ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે અને તટ વિસ્તારમાં પાણી ઓસરશે ત્યારેજ વાસ્તવિક દ્રશ્યો સામે આવશે. જો ફરી ખાડો પડ્યો હશે તો ડેમની સુરક્ષાને લઈ સવાલ ઉભા થશે.