લુણાવાડા: રાજ્ય સરકાર દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જુન માસ મેલેરિયા વિરોધી માસની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં મેલેરીયા અને મચ્છરોથી થતા રોગોને અટકાવવા માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. તે અંતર્ગત જિલ્લામાં મેલેરીયા માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ 20 ગામોમાં 13720 ની વસ્તીને આવરી લઇ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માસમાં દવા છંટકાવ, જન જાગૃતિ અભિયાન અને દવા વિતરણ સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
મહીસાગરમાં મેલેરિયા વિરોધી માસ અંતર્ગત કામગીરીનો આરંભ
રાજ્ય સરકાર દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જુન માસ મેલેરિયા વિરોધી માસની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં મેલેરીયા અને મચ્છરોથી થતા રોગોને અટકાવવા માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. તે અંતર્ગત જિલ્લામાં મેલેરીયા માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા વિરોધી માસ અંતર્ગત જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંઘ રાખવા, સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ પણ થઈ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડિયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મૂકવી, પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ કપડાથી કોરી કરી સાફ કરવી, પશુને પાણી પીવાની કુંડીમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશથી ઘસીને સાફ કરી ત્યાર બાદ જ નવું પાણી ભરવું. ટાયર, ડબ્બા તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નીકાલ કરવો, પક્ષીકુંજમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશથી ઘસીને સાફ કરી ત્યાર બાદ જ નવું પાણી ભરવું, જે છોડના કુંડામાં પાણી શોષાઈ જાય તેટલું જ પાણી નાખવું તથા કુંડા નીચે ટ્રે કે અન્ય પાત્ર ન રાખવું, ફુવારા તથા સુશોભન માટે બનાવેલા જગ્યામાં પાણી જમા રહેતું હોય તો તેની નિયમીત સફાઇ કરવી, ફ્રીજની ટ્રે દર ત્રીજા દિવસે ખાલી કરી સાફ કરવી, નવા વિકસતા વિસ્તારમાં ખાસ કરીને બાંઘકામ સાઇટ પર લીફટ માટે બનાવેલ ખાડો, સેલરમાં પાણી જમા ન રહે તેની તકેદારી રાખવી, જો પાણી જમા રહે અને તાત્કાલીક નિકાલ શક્ય ન હોય તો તેમાં કેરોસીના નાખવું, શાળામાં, ફ્રીઝની ટ્રે, કુલર, ફુવારા, ટાંકા-ટાંકીની નિયમીત સફાઇ કરવી અને બાળકોને આખી બાયના કપડા પહેરવા સૂચન કરવું.
જે ઘરની આસપાસ, અગાશી, છજ્જામાં રહેલા ટાયર, ડિસ્પોઝેબલ કપ, ડીશ, તુટેલા વાસણો, નાળીયેરની, કાછલી, અન્ય ભંગાર કે એવા કોઈપણ વસ્તુઓ કે જેમાં વરસાદી કે અન્ય પાણી ભરાય રહે છે તેનો તાત્કાલિક યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની તકેદારી રાખવી. મચ્છરદાનીમાં સુવો, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓને દિવસ દરમિયાન પણ મચ્છરદાનીમાં સુવડાઓ, મોસ્ક્યુટો રિપેલન્ટ ક્રિમ, મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરો, તાવ આવે કે તરત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર ડોકટરનો સંપર્ક કરો અને લોહીનું નિદાન કરાવો તેમ જિલ્લા મેલેરીયા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.