મહીસાગરઃ જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટની ભરતી બાબતે કાર્યકારોનું કહેવું છે કે, જિલ્લાની સંકલન સમિતિને અંધારામાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ગૃહ વિભાગના નિયમો મુજબ હોમ ગાર્ડ કમાન્ડન્ટની 35થી 55 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ અને અભ્યાસ સ્નાતક સુધી હોવો જરૂરી છે, પરંતુ બંને નિયમોનો ભંગ કરી બારોબાર નામ નક્કી કરી દેવામાં આવ્યું હોવા અંગે આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની ભરતી બાબતે જિલ્લા ભાજપના આગેવાનોમાં રોષ
મહીસાગર જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટની ભરતી બાબતે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં જિલ્લા કમાન્ડન્ટની ભરતી માટે નામ નક્કી થઈ ગયું હોવાની વાતો વહેતી થતાં જિલ્લાના સંનિષ્ઠ કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
નક્કી કરવામાં આવેલા ઉમેદવારે લુણાવાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ માટે દારૂ વહેંચ્યો હોવાના આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લાની સંકલન સમિતિમાં પ્રભારી મંત્રી, ભાજપ પ્રભારી, પંચમહાલ અને દાહોદ જિલ્લાના સાંસદ, જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ, બે ધારાસભ્ય, અને નિગમ બોર્ડના ચેરમેન હોય છે, પરંતુ આ તમામ હોદ્દેદારોને અંધારામાં રાખીને જિલ્લાની અગત્યની ગણાતી જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટની નિમણુકનો નિર્ણય કેવી રીતે લેવાયો તે અંગે જિલ્લા ભાજપના આગેવાનોમાં પણ રોષ ફેલાયો છે.
જો જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા વગર નિર્ણય લેવામાં આવશે, તો 500થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાંથી રાજીનામું આપી હાઇકોર્ટ સુધી જવાની ફરજ પડશે. તેવી કાર્યકારોએ ચીમકી પણ ઉચ્ચારી છે.