મહીસાગરઃ જિલ્લામાં જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. તદ્ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટન બામરોડા ગામની આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
બામરોડા ગામે પોષણ માસની ઉજવણી અંતર્ગત બાળકોની ઉંચાઇ અને વજનની ચકાસણી કરવામાં આવી - મહિલા અને બાળ વિકાસ વિભાગ
રાજય સરકાર સુપોષિત ગુજરાતના ધ્યેયને વરેલી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પૂરક પોષણનો લાભ આપવાની સાથે સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય તે માટે લેવાતી કાળજી અને તકેદારીનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
પોષણ માસની ઉજવણી અંતર્ગત ગામના અને આંગણવાડીના બાળકોની ઉંચાઇ અને વજનની ચકાસણી સાથે તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓની પણ મુલાકાત લઇને આ માતાઓને આ સમયગાળા દરમિયાન કેવી કાળજી રાખવી તેની સમજ આપવામાં આવી હતી.
પોષણ માસની ઉજવણીની સાથો સાથ તમામને હાલની કોરોનાની મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે માટેનું માર્ગદર્શન આપવાની સાથે કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે તમામને સોશિયલ ડિસ્ટન્સ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્કસ પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગેની સમજ
આપવામાં આવી હતી.