મહીસાગર : સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મનરેગા થકી લુણાવાડા તાલુકાના મોચીવાડીયા ગામે પોયણા તળાવને ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. અત્યાર સુધી આ તળાવમાંથી 4285 લાખ ઘનમીટર માટી ખોદીને કાઢવામાં આવી છે. જેનાથી આ તળાવમાં 42.85 લાખ લીટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજિત ખર્ચ રૂપિયા 13.96 લાખનો થશે. જેમાંથી અત્યાર સુધી રૂપિયા 10.07 લાખનો ખર્ચ થયેલો છે. જેના થકી જોબ કાર્ડ ધરાવતાં 200 શ્રમિકોને 4995 જેટલા માનવદિનની રોજગારી ઘરે બેઠા પૂરી પાડી કોરોના કહેર વચ્ચે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને જીવન ગુજરાન ચલાવવા માટે રાહત સમાન પુરવાર થશે.
મનરેગા યોજના કોરોના મહામારી સામે શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન - કોરોના વાઇરસ
ગ્રામીણ વિસ્તારોમાં વસતા શ્રમિક પરિવારો માટે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના થકી સુજલામ સુફલામ જળસંચય યોજના-2020 હેઠળ જળસંચયના જળસંગ્રહના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજના થકી ગ્રામીણ વિસ્તારમાં રોજે રોજનું કમાઇને જીવન નિર્વાહ ચલાવતા શ્રમિક પરિવારને પૂરતુ કામ અને વેતન મળી રહે તે પણ કોરોનાના વિકટ સંજોગોમાં ઘરઆંગણે રોજગારી મળતાં તે શ્રમિક પરિવારો માટે કોરોના કાળમાં આશીર્વાદ રૂપ પુરવાર થશે.
મનરેગાના જળસંચયના કામો અંગે પ્રતિભાવ આપતાં ગામના સરપંચ જયંતીભાઈએ જણાવ્યું કે, કોરોના સંકટને કારણે જરૂરિયાત મંદ શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે. તેમજ તેમનું વેતન સીધું બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામનું તળાવ ઉંડુ થતા તળાવમાં જળસંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. જેથી ગામમાં આવેલા કુવાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચા આવશે જેથી બારે માસ ખેતી માટે પાણી મળી રહેશે તેમજ પશુ માટે અને ઘર વપરાશ માટે પણ પાણી મળી રહેશે. એટલે બારેમાસ ગામને પાણીની તકલીફ નહીં પડે અને શિયાળો- ઉનાળુ ખેતી માટે પાણી મળી રહેશે. પાણી થકી ખેતી વિકાસ સારો થતાં ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેથી જ મનરેગાના કામો ગ્રામ્ય જીવનને મજબૂત કરવામાં મહત્વનો ફાળો ભજવશે.