મહીસાગર: સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના સમયમાં જનતાને આવશ્યક વસ્તુઓ સરળતાથી મળી રહે, તે માટે આવશ્યક સેવાઓ માટેની દુકાનો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાની શરતે ખોલવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે.
શુક્રવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલા મહીસાગર મોલ અને અન્ય બે કિરાણા સ્ટોર્સમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન કરતા લુણાવાડા પ્રાંત અધિકારીના આદેશથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને મહીસાગર જિલ્લો ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ છે. જેથી વહીવટી તંત્ર સતર્ક છે. અને કોરાના વાઈરસનું સંક્રમણ વધુ વધે નહીં, તે માટે સતર્કતા રાખી રહ્યું છે.
જિલ્લામાં લોકડાઉન દરમિયાન જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાત માટેની આવશ્યક વસ્તુઓ મળી રહે, તે માટે સરકાર દ્વારા નિયમોનું પાલન કરવાની શરતે આવશ્યક સેવાઓ માટેની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપી છે.
આ નિયમોને નેવે મુકી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ધંધો કરતા મહીસાગર મોલ, સુભાષ કિરાણા સ્ટોર્સ અને અન્ય એક કિરાણા સ્ટોર્સને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલનનું ઉલ્લંઘન કરવા બદલ લુણાવાડા પ્રાંત અધિકારી આદેશથી સીલ મારવામાં આવ્યા છે.