મહીસાગર :જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રેપીડ એક્શન ફોર્સ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજઈ હતી. લુણાવાડાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજી હતી. શહેરમાં ચાર રસ્તા મહિલા પોલીસ ચોકી ખાતેથી યોજાયેલા ફ્લેગ માર્ચ માંડવી બજાર, ગોળ બજાર, હુસેની ચોક અસ્તાના બજાર, સુપર માર્કેટ વિસ્તારમાં ફ્લેગ માર્ચમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિકારીઓ જોડાયા. મહિસાગર જિલ્લામાં 16 એપ્રિલ સુધી રેપીડ એક્શન ફોર્સ દ્વારા અલગ અલગ તાલુકા સહિત ગ્રામ્ય લેવલમાં પણ ફૂટમાર્ક યોજવામાં આવશે. જેથી સ્થાનિક નગરનો પરિચય થઈ શકે. નગરમાં શાંતિ રહે, લોકોમાં ભય દૂર થાય, શાંતિ ડહોળવા માંગતા તત્વો પણ આ બાબતથી દૂર રહે, તેને લઈને નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજવામાં આવી હતી.
રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન : મહીસાગર જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન અમદાવાદની એક પ્લાટુન સંવેદનશીલ વિસ્તારના પરિચય પ્રેક્ટિસ કવાયત અંતર્ગત કમાન્ડન્ટ ગોવિંદપ્રસાદ ઉનિયાલના આદેશાનુસાર ઉપ કમાન્ડન્ટ મોહનસિંગના નેતૃત્વમાં કલેક્ટર ભાવિન પંડ્યા, પોલીસ અધિક્ષક આર.પી. બારોટ સાથે સંકલન સાધી જિલ્લાની મુલાકાતે છે. ત્યારે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં લુણેશ્વર ચોકડી, દારકોલી દરવાજા, ફુવારા ચોક, માંડવી બજાર, ગોળ બજાર, હુસેની ચોક, અસ્તાના બજાર વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી.
જવાનોએ જમાવ્યું આકર્ષણ :RAFના જવાનોની શિસ્તબધ્ધ કવાયતે પ્રજાજનોમાં આકર્ષણની જમાવ્યું હતું.આ ફ્લેગ માર્ચમાં RAFના DYSP જે.જી.ચાવડા, PI ધેનુ ઠાકર સહિત પોલીસ જવાનો જોડાયા હતા. આ પ્લાટૂનની કવાયતનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના સંવેદનશીલ, અતિ સંવેદનશીલ વિશે માહિતી મેળવવાની સાથે સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે સંકલન કરવાનો છે. તેમજ વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને આગેવાનો સાથે મળી વાર્તાલાપ કરી જિલ્લા અને ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટેનો છે.