મહીસાગર:વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સમીકરણ બગાડનાર નેતાને હવે ભાજપ પોતાના પક્ષમાં લઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ ન મળતા ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જયપ્રકાશ પટેલ ઉર્ફ જે.પી.પટેલની આજે ભાજપમાં ઘરવાપસી થઈ. તેમજ જિલ્લાની બાલાસિનોર બેઠક માટે કોંગ્રેસમાં ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉદેસિંહ ચૌહાણે પણ આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ: તેઓ મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા તેમજ જે વખતે મહીસાગર જિલ્લો અસ્તિત્વ ન હતો ત્યારે પણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓએ લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમને ટિકિટ ફાળવવામાં આવી ન હતી. ત્યારે તે સમયના લુણાવાડાના સિટીંગ ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને રિપીટ કરવામાં આવ્યા હતા. જેના કારણે જે.પી.પટેલે ભાજપમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. અને છેવટે આ જંગમાં અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલના કારણે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકનો પરાજય થતાં ભાજપને લુણાવાડા સીટ ગુમાવી પડી હતી. આ સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહનો વિજય થયો હતો.