લુણાવાડાઃ મહિસાગર જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો મહીસાગર પોલીસ ચુસ્તપણે અમલ કરી રહી છે. તેની તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા મહિસાગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલ કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાના ભંગ બદલ મહીસાગર પોલીસે 9.48 લાખનો વસુલ્યો દંડ - જાહેરનામા ભંગ
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોનાવાયરસ (COVID-19)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને નિયંત્રણમાં રાખવા લોકડાઉન અમલમાં છે.
જેને લઇને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ-ગોધરા રેન્જ અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ દ્વારા મળેલા માર્ગદર્શન હેઠળ લોકડાઉનના સમયમાં ખોટા કામ વગર અવરજવર કરતા લોકોને મહિસાગર જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનનો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહિસાગર જિલ્લામાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં CCTV કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામા ભંગ તેમજ વાહન ડિટેઇનના 2940 કેસ કરી 3359 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત 2614 વાહનો ડીટેઇન કરી 9.48 લાખ ઉપરાંતનો દંડની વસુલાત કરવામાં આવી છે. જિલ્લાની આંતરરાજ્ય અને આંતર જિલ્લા બોર્ડરો સીલ કરી કોરોના સાંકળને તોડવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે.