મહીસાગર : મહીસાગરના વતની આર્ટીસ્ટ, સંગીત અને સાહિત્ય રસિક હર્ષા લાખાણીએ સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓને ચિત્ર દ્વારા અલગ અંદાજમાં રજુ કરી છે. પોતાની કલાથી અનેક મહિલાઓમાં હર્ષની લાગણી ઉભી કરી જગાવી છે. એમની ચિત્રો રુપી કલામાં લટાર મારીએ,
માનવીય ચિંતનની રજૂઆત :આત્મચિંતનમાં ડૂબી, બહારની દુનિયાને અને કુદરતને સમજવાના પ્રયત્નો કરી તેને પોતીની કળામાં ઉતારનાર આ દુનિયામાં કેટલાય કલાકાર છે. આવા જ એક કલાપ્રેમી ચિત્રકાર હર્ષા લાખાણી છે. એમની ચિત્રોરુપી કલામાં લટાર મારવાનું મન થાય કારણ કે તેમનાં ચિત્રોમાં માનવીય ચિંતનની રજૂઆત દેખાય છે. ચિત્રમાં સત્યતાની ન માત્ર ઝલક હોય પરંતુ કથાનક કે કથાવસ્તુની અંદરના ભાવો અને વિચારની સચોટ અને કળાત્મક રજુઆત હોય અને સાથે સાથે કુદરતની કળાની છાંટ પણ હોય છે.
કલાની ખાસિયત :ચિત્રોમાં મુખ્ય વસ્તુ મૂખ્ય વિષયના વિચારો-માનસિક સ્થિતિ પરિસ્થિત્ની રજૂઆત તેમની કલાની ખાસિયત છે. રંગોના યોગ્ય મિશ્રણ અને શેડ વિષયવસ્તુની વાસ્તવિકતાની એટલા નિકટ હોય છે કે કલાપ્રેમી તેમના આકર્ષણને અવગણી શકે નહી. પ્રકૃતિને પ્રેમ કરવો, સામાજિક બદીઓને દૂર કરવી જેવા આજના ગંભીર વિષયો અંગે કળાના સહારે અસરકારક રજૂઆત તેમના ચિત્રોમાં જોવા મળે છે. તેમની પીંછી દ્રારા અબોલને વાંચા અને વંચિતને સભ્ય સમાજ સામે તેમનો અવાજ બુલંદ કરવાની પ્રેરણા મળી રહે છે.
આ પણ વાંચો ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ
પોતાની કલાથી ઓળખ : સ્ત્રીઓની સામાજિક સમસ્યાની અભિવ્યકિતએ તેમની કળાની વિશેષ ઓળખ છે. તેમણે જણાવ્યું કે, કલાએ મનુષ્ય મનુષ્ય વચ્ચે વિનિમયનું એક સાધન છે, જે તેમને અન્ય પ્રાણીઓથી અલગ તારવી મનુષ્ય બનાવે છે. કલાને રજુ કરવામાં પોતે અનુભવેલી લાગણીને પાછી પોતાનામાં જગવવી અને એમ કરીને પાછી તેને હલનચલન, રેખા, રંગ, ધ્વનિ કે શબ્દચિત્રણ દ્વારા બીજાઓને એવી રીતે પહોંચાડવી કે જેથી તે જ લાગણી તેઓ અનુભવે. આમ, કલા એ મનુષ્યમાં એકતા કે મિલનનું સાધન છે. એનો કુદરતી પાયો એ છે કે, મનુષ્ય ચિત્ત સામાની લાગણી ઝીલી શકે છે. તેથી જ તો કલાની ક્રિયા અતિ મહત્વની માનવ પ્રવૃતિ છે. ખુદ ભાષાની ક્રિયા જેટલી તેની મહત્તા છે અને મનુષ્યમાં તે એટલી જ સર્વસામાન્ય વ્યાપેલી છે.
કલાસર્જનની જીવંતતા : આ વર્ષે જ મહિલા દિન નિમિતે હર્ષા લાખાણીને આર્ટ કેમ્પ અને એકઝીબીશન સાથે કલા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ સીને મીડિયા ફાઉન્ડેશન અને ધ બ્યુટી ટાઉન દ્વારા વિશ્વ નારી રત્ન- 2023 દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એવોર્ડ કલાને સમર્પિત કરતા કહ્યું કે, એવોર્ડ એ સમાજ અને લોકો દ્વારા લીધેલ નોંધનું એક પરિમાણ માત્ર છે પરંતુ તે સર્વશ્વ નથી. અંતે તો મારી કલા દ્રારા મને મળતી આંતરીક ખુશી એ જ મારા માટે જરુરી છે અને જ્યારે હું કોઈ કલાનું સર્જન કરુ છું ત્યારે જીવંતતા અનુભવું છું. માનવ જીવનમાં સતત જીવંતતા અનુભવવી તેનાથી સર્વોચ્ચ અહેસાસ મારા મતે કોઈ નથી.
આ પણ વાંચો રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું શહેરમાં પ્રદર્શન
એક્ઝિબિશન યોજાય છે : હર્ષા લાખાણીના ચિત્રોના એક્ઝિબિશન પણ યોજાય છે. જેમાં દિલ્હી, વડોદરા, સુરત, અમદાવાદ, પોંડીચેરી, જયપુર, પુણે, મુંબઈ અને જૂનાગઢ ખાતે અવારનવાર વર્કશોપ તથા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. તેમની કલાપ્રવૃત્તિઓને લઇ કલેશ્વરી ખાતે બનાવેલ ચિત્રને નિહાળી શિક્ષણપ્રધાને પણ પ્રોત્સાહિત કર્યા હતાં.
રાષ્ટ્રીય કલા શિબિર :તાજેતરમાં કલેશ્વરી ખાતે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ ગુજરાત રાજ્યના સહયોગથી કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત 14 મી રાષ્ટ્રીય કલા શિબિર યોજાઈ હતી. જેમાં અનેક જાણીતા ચિત્રકારો સાથે કલાનગરી વડોદરાના આર્ટીસ્ટ હર્ષા લાખાણી પણ જોડાયા હતા. આ શિબિરમાં આર્ટીસ્ટ તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા હર્ષા લાખાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના કલેશ્વરી ખાતે બનાવેલ ચિત્રને નિહાળી શિક્ષણપ્રધાન કુબેરભાઇ ડિંડોર, કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા.