મહીસાગરઃ જિલ્લામાં 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દિપીકાબેન ડોડીયાર, કોન્સ્ટેબલ નીલમબેન તથા પાઇલોટ રમેશભાઇને ફરજ દરમ્યાન પંચમહાલ ગોધરાની 181 મહિલા હેલ્પલાઇન રેસક્યુ વાન દ્વારા કોલ મળ્યો હતો. જેમાં જણાવેલ કે, એક 23 વર્ષના બહેન માનસીક અસ્વસ્થ હોય તેમ જણાય છે અને ત્યાં કોઇ આવી મહીલાઓ માટે કોઇ એન.જી.ઓની સુવિધા ન હોવાના કારણોસર કોલ મળ્યા બાદ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તાત્કાલીક ધોરણે તે બહેનનો હવાલો લઇ તેમનું કાઉન્સેલીંગ કર્યું હતું.
મહીસાગરમાં 181 મહિલા હેલ્પલાઇનએ નિરાધાર માનસિક અસ્વસ્થ મહિલાનું સમાજ સેવી સંસ્થામાં પુનઃસ્થાપન કર્યું
મહીસાગર જિલ્લાની 181 મહિલા હેલ્પલાઇન સેવાની કર્મઠ સેવા દ્વારા જે મહિલાના પરિવારની ભાળ મળી શકી નથી તેવી માનસિક રીતે અસ્થિર મહિલાઓને સુરક્ષિત રીતે મહિલા સ્વૈચ્છિક સંસ્થાઓમાં પુનઃસ્થાપન કરવામાં આવે છે. ઉપરાંત આવી માનસિક અસ્વસ્થ મહિલાઓને સંસ્થાઓ દ્વારા સઘન સારવાર આપીને સ્વસ્થ થતાં તેના પરિવાર સગા-સંબંધીના નામ-સરનામાં મેળવવાની કવાયત પણ હાથ ધરવામાં આવે છે. બીમાર મહિલાઓ હોય તેમજ વિકટ પરિસ્થતિમાં સંકટમાં મહિલા હોય, તમામને સ્થાનિક પોલિસની મદદથી નારી સંરક્ષણ ગૃહ, ચેરિટી સંસ્થાઓ, એન.જી.ઓ.માં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. આ નોંધનીય છે કે મહિલાઓ માટે 181 હેલ્પલાઇન અભયમ પૂરવાર થઇ છે.
મહિલા માનસિક અસ્વસ્થ જણાંતા બહેન ગુજરાત બહારના હોય તેવી ભાષા પહેરવેશ પરથી જણાઇ આવ્યું હતું. તેથી તેમને સુરક્ષિત જગ્યાએ જયાં તેમને તમામ સેવાઓ મળી રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો અને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુધ્ધિ સમાજ સેવા ટ્રસ્ટમાં તેમની માનસિક સારવાર માટે તે બહેનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આવી જ ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ગુજરાતમાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઇ ટીમ સંકટ સમયની સાંકળ બનીને લાચાર, નિરાધાર તેમજ પીડિત મહિલા માટે સંજીવની સમાન બની રહી છે.