- મહિસાગરમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા 1,05,275
- લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 24,798 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી
- માત્ર 30 દિવસમાં 86.32 ટકા કામગીરી પૂર્ણ
લુણાવાડા: મહિસાગર જિલ્લાના છ તાલુકામાં 60 વર્ષથી મોટી ઉંમરના 1,05,275 લોકો છે. સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા 1 માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં 30 માર્ચ સુધી 90,875 સિનીયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત
60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિનામૂલ્યે કોરોનાની રસી
જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 24,798 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે બાલાસિનોર તાલુકામાં 14,206, ખાનપુર તાલુકામાં 9,392, કડાણા તાલુકામાં 9,455, વિરપુર તાલુકામાં 11,226 અને સંતરામપુર તાલુકામાં 21,798 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે 47 સરકારી હોસ્પિટલ ખાતે અને છ ખાનગી હોસ્પિટલ ખાતે કોરોના રસી આપવામાં આવી રહી છે. જેમાં 90,875 સિનિયર સિટીઝનોને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. મહિસાગર લુણાવાડાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. બી. શાહે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના PHC, CHC અને સરકારી દવાખાનામાં 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિનામૂલ્યે કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:દેશમાં કોરોના રસીના કુલ 3.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
જિલ્લાની વિવિધ 22 શાખાઓ દ્વારા રસીકરણની 90.61 ટકા જેટલી કામગીરી પૂર્ણ
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત 1 માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર 30 દિવસમાં 86.32 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. મહીસાગર જિલ્લામાં અગાઉ આરોગ્ય, પોલીસ, ICDS નગરપાલિકા, રેવન્યુ, પંચાયત અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ મળી 17,065 અધિકારી-કર્મચારીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય હતું, તે પૈકી 15,464 અધિકારી- કર્મચારીઓને જિલ્લાની વિવિધ 22 શાખાઓ દ્વારા રસીકરણની 90.61 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જિલ્લા કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આમ મહીસાગર જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે.