લુણાવાડા: કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી. બારડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંદર્ભે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસથી જિલ્લાવાસીઓને સુરક્ષિત રાખી શકાય તે માટે કોરોના સામેની લડતમાં જિલ્લા વહીવટી તંત્ર સતર્કતા સાથે કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ અને સુસજ્જ છે.
કડાણા તાલુકાના કડાણા ગામ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તેને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા આરોગ્યતંત્ર દ્વારા અનેક આરોગ્ય લક્ષી સઘન પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઉકાળા વિતરણ, સમસમ વટી, આયુર્વેદિક ગોળી અને હોમિયોપેથીક દવા, આર્સેનિક આલ્બ તથા આ વિસ્તારના લોકોની અવારનવાર આરોગ્ય તપાસ જેવા સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યાં છે.