મહીસાગરઃ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તકેદારીના ભાગરૂપે અહીં દર્શનાર્થે આવતા માતાજીના ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આગમચેતીના પગલાં લેવા સરકારની એડવાઈઝરીને ગંભીરતાપૂર્વક લઈને મહીસાગર માતાજી સહિત મંદિર સમૂહભાવિક ભકતો માટે બંધ રહેશે.
મહીસાગર તીર્થધામના મહંત અરવિંદગીરી મહારાજે લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી - મહીસાગર તીર્થધામ દેગમડા
મહીસાગર જિલ્લાના દેગમડામાં આવેલું મહીસાગર તીર્થધામ લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. લોકો મહીસાગર નદી તટે આવેલા આ સ્થળે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. મહીસાગર માતાજીની આરાધનાની સાથે ભકતોના સ્વાસ્થ્ય તેમજ સલામતી પણ ખૂબ જ અગત્યની છે. સરકાર પણ નાગરીકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિંત છે.
શ્રદ્ધાળુઓને મહીસાગર તીર્થધામના મહંત અરવિંદગીરી મહારાજે પ્રાર્થના કરતા જણાવ્યું છે કે, આ સમય દરમિયાન ભકતોએ પોતાના ઘરે આરાધના કરવી. આ સંજોગોમાં કોરોના વાઇરસ અંગે રસી ઉપલબ્ધ નથી. ત્યારે, સ્વયં અનુશાસનથી તેને અટકાવી શકીએ છીએ. જેમ કે, હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ, મોં અને નાકને સ્પર્શ ના કરવો, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, એકબીજાને હાથ મિલાવી અભિવાદન ન કરતાં બે હાથ જોડી નમસ્તેથી આદર કરવો, એકબીજાથી એક મીટર દૂર રહેવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, રોગથી ભય ન પામતા જાગૃતિ રાખવી તે સલામતી માટે ઉત્તમ છે.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે, જો રોગના લક્ષણ જણાઇ તો નજીકના સરકારી દવાખાને તાત્કાલિક સારવાર લેવી તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા આરોગ્યલક્ષી નિર્દેશોનું પાલન કરી પ્રધાનમંત્રીના જનતા કરફ્યૂનો અમલ કરી પોતાના ઘરે રહેવા અપીલ કરી છે.