મહીસાગર: લુણાવાડા નગરપાલિકાને રૂપિયા 9,54,459નું નુકસાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને નુકસાન ભરપાઈ કરવા વડોદરા ઝોન પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનરે હુકમ કર્યો છે.
પાલિકા પ્રમુખના ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે આવેલી તપાસમાં પ્રમુખે ભ્રષ્ટાચાર આદરી સત્તાનો દૂર ઉપયોગ કરી પાલિકાને રૂપિયા 9,54,459નું નુકસાન કર્યાનું સાબિત થતા પાલિકા કમિશનરે વસૂલીનો હુકમ કર્યો છે. પ્રમુખ જયેન્દ્રસિંહ દ્વારા પોતાની ખાનગી દુકાનો વેચવા માટે પાલિકાના પૈસે ભ્રષ્ટાચાર આદરી રોડ બનાવવામાં આવ્યો હતો.
લુણાવાડા પાલિકા પ્રમુખે 9,54,459નો કર્યો ભ્રષ્ટાચાર, આ બાબતે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ લેખિત રજૂઆત કરી હતી. નગરપાલિકાના કાયદાકીય જોગવાઇઓનું ઉલ્લંઘન કરેલાનું તેમજ તેઓની સત્તા ન હોવા છતા સત્તા બહારનું કૃત્ય કરેલાનું સ્પષ્ટપણે ફલિત થયું હતું. જેથી સીધા પરિણામ રૂપે નગરપાલિકાને રૂ .9,54,459/-નું નાણાંકીય નુકસાન કરેલાનું જણાતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 70 (1) હેઠળ તેઓ જવાબદાર સાબિત થયા હતાં.
મહત્વનું છે કે, લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ વાય સોલંકી પાસેથી હુકમ થયાના દિન-30માં રકમ વસૂલ કરવા વડોદરા ઝોન પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.