લુણાવાડાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચનાઓ અનુસાર અને સરકારના કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સહ મહીસાગર જિલ્લામાં ધોરણ 10 માટે બે કેન્દ્ર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ માટે બે કેન્દ્રો પરથી ઉત્તરવહીઓના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું કે, ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની જવાબવહિઓની ચકાસણીની શરૂઆત જિલ્લામાં થઈ ગઈ છે. આ કામગીરી માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના અનુસાર જિલ્લામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની જવાબવાહિની ચકાસણીની કામગીરી માટે બે કેન્દ્રો અને ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે બે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર 348 જેટલા નિરીક્ષકો અને 48 અન્ય કર્મચારી, કેન્દ્ર વ્યવસ્થાપકની નિમણૂંક કરવામાં આવી છે.
વધુમાં પટેલે જણાવ્યું કે, આ મૂલ્યાંકન કેન્દ્રો પર ધોરણ 10 ના બે વિષયની કુલ 26982 જવાબવાહિઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એક વિષયની કુલ 1200 અને સામાન્ય પ્રવાહના 3 વિષયની કુલ 20389 મળી કુલ 58571 જેટલી ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી કરવામાં આવશે.