મહીસાગર જિલ્લાના તમામ હિન્દુવાદી સંગઠનો દ્વારા ખાનગી શાળાઓમાં લાયકાત વગરના અને અન્ય વિસ્તારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શિક્ષકોની શૈક્ષણિક લાયકાત રહેઠાંણના પુરાવા સહિત તમામ દસ્તાવેજી આધાર મહીસાગર જિલ્લાના શિક્ષકોની કચેરી દ્વારા ખરાઈ કરવામાં આવે તેવી માંગ સાથે લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
હિન્દુવાદી સંગઠનોના કહેવા મુજબ જિલ્લાની ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો લાયકાત વગરના અને અન્ય ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ફરજ બજાવતા હોવાનું કિસ્સો તાજેતરમાં મહીસાગર પોલીસની કામગીરીને કારણે પ્રકાશમાં આવ્યો છે.
શિક્ષણ પ્રત્યે જાગૃત હિન્દુઓની માંગણી છે કે, જિલ્લાની ખાનગી શાળાઓ બેરોકટોક પોતાના આર્થિક ફાયદા માટે નિયમોને નેવે મૂકી મનસ્વી રીતે કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર શિક્ષકોની ભરતી કરે છે. જેનાથી લાયકાત વગરના શિક્ષકોના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર લાગે છે. તો સાથે જ આવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ પણ તેનો લાભ ઉઠાવી લાંબા સમય સુધી શિક્ષણ સંસ્થાઓમાં આશરો મેળવે છે.
જો કે આ ગંભીર બાબત માત્ર સર્ટિફિકેટની ચકાસણી ન કરવાને કારણે ઉદભવી છે. જેથી જિલ્લાના તમામ હિન્દુવાદી સંગઠનો દ્વારા જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની શૈક્ષણિક લાયકાત રહેઠાંણના પુરાવા સહિત તમામ દસ્તાવેજી આધાર મહીસાગર જિલ્લાના શિક્ષકોની કચેરી દ્વારા ખરાઈ કરવામાં આવે તેવી જિલ્લા કલેકટરને માંગ કરી છે.