મહીસાગર: કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને માત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
આરોગ્ય ટીમ દ્વારા સંતરામપુરના કન્ટેનમેન્ટ વિસ્તારની આરોગ્ય તપાસ કરાઇ મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રોના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય ટીમ દ્વારા સંતરામપુરના કન્ટેનમેન્ટ વિસ્તારની આરોગ્ય તપાસ કરાઇ આરોગ્ય ટીમ દ્વારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા પ્રકાશ સોસાયટીમાં પોઝિટિવ કેસ આવતા વિસ્તારના નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
આરોગ્ય ટીમ દ્વારા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા નાગરિકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેઓને વિટામીન-સી, પેરાસીટામોલ, એઝિથ્રોમાઇસીન, હોમિયોપેથીક આર્સેનિક આલબ્મ અને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યા હતા.
જયારે દરેક નાગરિકોનું થર્મલ સ્ક્રીનીંગ અને SPO2 ની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકોને હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ, આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યા હતા. આ દવાઓ કઇ રીતે લેવી તેની સમજ આપવામાં આવી હતી.
આરોગ્યની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કેવી રીતે વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા પણ સમજાવવામાં આવ્યું હતું.