મહીસાગરઃ રાજય સરકાર સુપોષિત ગુજરાતના ધ્યેયને વરેલી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યયમથી માતા અને બાળકોના સુપોષણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પૂરક પોષણનો લાભ આપવાની સાથે છે. સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય તે માટે લેવાની થતી કાળજી અને તકેદારીનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
પોષણ માહમાં આ મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવશે
- બાળકના પ્રથમ 1000 દિવસ
- એનેમિયા
- ઝાડા નિયંત્રણ
- હેન્ડ વોશ અને સેનિટાઈઝેશન
- પૌષ્ટિક આહાર
- બાળકના જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન સ્તનપાનનું મહત્વ
- 6 માસ પછી પૂરક આહાર
હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખેમપુર ખાતે પોષણ માહ ઉજવણી અંતર્ગત મહિલાઓને આરોગ્ય લક્ષી શિક્ષણ અપાયું
મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડાગામના વડાગામ આરોગ્ય કેન્દ્રમાં 2 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરધરીના હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખેમપુર ખાતેની આંગણવાડી ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત કેન્દ્રોના CHO અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ મહિલાઓને સમતોલ આહાર અને પૂરતો આરામ મળે તે જરૂરી હોવાનું સમજાવી, મહિલાઓને લોહતત્વ/આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું નિયમિત સેવન કરવા તેમજ બાળકના જન્મથી 6 માસ સુધી(180) દિવસ દરમિયાનમાં પહેલાં તો જન્મના પહેલા એક કલાકમાં અને 6 મહિના સુધી બાળકને માતાના ધાવણ સિવાય કશું જ આપવું ન જોઈએ, જેવી અને બાળકની દેખભાળ રાખવાના પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
પૌષ્ટિક આહાર, એનિમિયાની તેમજ બાળકના જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન સ્તનપાનનું મહત્વ, 6 માસ પછી પૂરક આહાર, 1,000 દિવસ દરમિયાન બાળકની યોગ્ય કાળજી કેવી રીતે લેવી એનું પ્રશિક્ષણ, કિશોરીઓમાં પોષણનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. પોષણ માહની ઉજવણી અંતર્ગત ખેમપુરની આંગણવાડી ખાતે પૌષ્ટિક આહાર આપતા કઠોળ અને લીલા શાકભાજીનું જ્યારે વડાગામ ખાતે રંગોલીનું નિદર્શન કરી આરોગ્ય અને પૌષ્ટિક આહારલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 3જા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માસની ઉજવણી (સર્વાંગી પોષણ માટે વડાપ્રધાનની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે. જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.
દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડશે.