મહીસાગર : રાજપૂત મહિલા સંગઠનના પ્રમુખ નીરૂબા સોલંકી જણાવે છે કે, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ અમને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતનો સંદેશ અને લોકલ ટુ વોકલનું મહત્વ સમજાવ્યું. ત્યારે કોરોના મહામારીના સમયમાં લોકોની મદદ કરવા માટે અમે પીપીઇ કીટ બનાવવાનો વિચાર કર્યો જે પછી નેહા કુમારીના માર્ગદર્શનના પગલે આ કાર્ય ઉપાડી લીધું હતું.
પીપીઇ કીટ બનાવવા અમે એક્સપર્ટ ક્વોલિટીનું રો મટીરિયલ મંગાવ્યું, જેમાં 80 જીએસએમ નોન વુવન પ્લાસ્ટીક કોટેડ કાપડ, ચેન, વેલક્રો, ઇલાસ્ટિક, દોરો, સેનેટાઇઝર, પેકિંગ મટીરીયલ લાવવામાં આવ્યું. પીપીઇ કીટ બનાવવામાં સોશિયલ ડિસ્ટન્સીંન્ગ જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા વ્યક્તિઓનો ઉપયોગ કરી માસ્ક સહિત તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ત્રણ મહિલાઓ વિલાસબા સોલંકી, સંતોષબા પઢીયાર અને સ્મિતાબા જ્યારે એક પુરુષ ટેલર રાજુભાઈએ મળીને આ કીટ તૈયાર કરી રહ્યા છે. તેમની આ મુહિમને પગલે જિલ્લા પંચાયત તરફથી પણ તેમને ઓર્ડર આપવામાં આવ્યો છે.