ગુજરાત

gujarat

ગુજરાત ટુરિઝમ વિભાગઃ પ્રવાસીઓ માટે સુવિધાથી સજ્જ સાતકુંડા પ્રવાસન સ્થળ બનાવાશે

By

Published : Jul 19, 2019, 9:19 AM IST

મહિસાગર: જિલ્લાના લુણાવાડના સંતરામપુર તાલુકાના સાતકુંડા સોળે કળાએ ખીલી ઉઠતું સૃષ્ટિએ શણગારેલું અદભુત પ્રવાસન સ્થળ છે. ગુજરાત ટુરિઝમ વિભાગ રુપિયા 155 લાખ ખર્ચીને પ્રવાસીઓ માટે વિવિધ સુવિધઓ ઉભી કરશે.

ગુજરાત ટુરિઝમ વિભાગ સાતકુંડા પ્રવાસન સ્થળ બનાવાશે પ્રવાસીઓ માટે સુવિધાથી સજ્જ

ગુજરાતમાં ઘણા સ્થળો પ્રવાસનની દ્રષ્ટિએ રમણીય અને ઉત્તમ છે. પ્રવાસન વિભાગ ગુજરાતમાં ટુરિઝમ વધે તે માટે સતત પ્રયત્નશીલ પણ છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આવું જ સ્થળ છે મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડાથી લગભગ 20 કિમીના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા.

આ માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા સાતકુંડાના વિકાસ માટે તેનો જિલ્લાના પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરેલો છે. તેના માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્રારા રૂપિયા 155 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

જેથી કુદરતી સ્થળમાં સુવિધા ઉભી કરીને પ્રવાસીઓને સુવિધઆ આપી શકાય તે માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા વન વિભાગને રુપિયા 127 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પગથીયા, રેલીંગ, ઝાડ ફરતે બેસવાના ઓટલા, શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલયની સુવિધા, પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સુવિધાઓ સહિત, રેસ્ટ રુમ, કિચન વ્યવસ્થા, વન કેડી તેમજ પ્રવાસીઓને નાહવા માટેના ઘાટ જેવી વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ કામગીરી પ્રગતિમાં છે.

શાંતિની અનુભૂતિ કરાવતું સાતકુંડા
વધુમાં સાતકુંડા વિશે જણાવીએ તો, પૂછ્યા વગર ન પહોંચાય તેવી રસ્તાની ભૂલભુલામણીમાં સાતકુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતાં ધોધનો અવાજ સ્વયંભૂ તે તરફ ખેંચી જાય છે. દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ છે અને ગુફામાં સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે.પાણીના ધોધના અવાજને કારણે સ્વયંભૂ મૌનવ્રત પાળવું પડે અથવા બૂમો પાડી બોલવું પડે, કોઈના શબ્દો નહીં, અહીં કુદરત બોલે છે. જેમ ઉપર જઈએ તેમ નાના થતાં કુદરતી કુંડ આવેલા છે.
ઝરણાઓનો અવાજ આપે છે ચહેરાના હાસ્યને સંગીત

પ્રકૃતિની ગોદમાં બેસીને ધવલ પાણીની સાથે લીલીછમ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે.

આ જિલ્લાના કલેશ્વરી, વાવકુવા ધોધ, માનગઢ, ડાયનાસોર પાર્ક, ભીમ ભમેડો, નદીઓ પર્વતમાળાઓ જેવા અનેક સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપુર છે. જે ફિલ્મ ઉધોગને તથા પ્રવાસન માટે પણ અનુકૂળ છે. તેમાનું આ એક સ્થળ સાતકુંડા પણ છે.

આ સ્થળોની સાથે જિલ્લાના વિકાસની નવી કેડી કંડારશે તેમાં બેમત નથી. અહીં આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો, એડવેન્ચર કલબ માટે ઉત્તમ સ્થળ બની રહેશે. તેમજ આ પ્રવાસન સ્થળના વિકાસ થકી સ્થાનિક રોજગારીની નવીન તકો ઉભી થશે.

ABOUT THE AUTHOR

...view details