મહીસાગર : કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગણપતિ ઉત્સવમાં લોકો ઉત્સાહભેર જોડાયા છે. જો કે, આ વર્ષે કોરોનાને કારણે ભગવાન ગણપતિના ભકતોએ ગણેશ સ્થાપના જાહેર પંડાલમાં કરી ન હતી, પરંતુ પોતાના ઘરમાં જ ભક્તોએ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી હતી. ત્યારે આજે મંગળવારે શહેરીજનો ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું - Ganapati dissolved
કોરોના મહામારીના કારણે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. ત્યારે ભગવાન ગણપતિના ભક્તજનોએ પોતાના ઘરમાં જ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી હતી. મંગળવારે મહીસાગર જિલ્લામાં વિવિધ શહેરોમાં સ્થાપના કરવામાં આવેલી ભગવાન ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોએ પોતાના ઘરે જ ગણપતિની સ્થાપના કરી હતી. જિલ્લાના વિવિઘ શહેરોમાં નીકળતી ગણેશ વિસર્જન યાત્રા પણ કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી છે. બાલાસિનોરના સુદર્શન તળાવ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ શહેરના સુદર્શન તળાવ ખાતે ગણેશ મહારાજને ભારે હૈયે વિદાય આપતા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં જાણીતી ભવ્યાતિભવ્ય વિસર્જન યાત્રા નહીં યોજાતા, તેના રંજ સાથે નિરાશા પણ જોવા મળી હતી. જિલ્લામાં અંદાજીત 1000થી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે નગરજનોએ ભગવાન ગણપતિને આ કોરોના રુપી મહામારીમાંથી જલ્દી છૂટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.