મહીસાગર: બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં 8 માસ અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ડાયનાસોર પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રજાજનોને સંબોધતા તેઓએ ડાયનાસોર પાર્કના વિકાસ અર્થે રૂ.10 દસ કરોડ ફાળવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મળેલ માહિતી મુજબ દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો આ ડાયનાસર પાર્ક પર્યટકોમાં ખૂબ જ આકર્ષક રૂપ બન્યો છે. તેમજ પર્યટકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.
ગુજરાતનાં બજેટમાં બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્ક માટે રૂ. 10 કરોડની જાહેરાત - મહીસાગર
મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં 1983માં મળેલ ડાયનાસોરના ઈંડા અને અવશેષો બાદ રૈયોલીએ વિશ્વ ફલક ઉપર ખૂબ જ પ્રસિદ્ધ મેળવી છે. આ રૈયોલીના ડાયનાસોર પાર્કની મુલાકાત લેતા પર્યટકોની સંખ્યા વધતા ડાયનાસોર પાર્કના વધુ વિકાસ માટે ગુજરાતના બજેટમાં રૂ. 10 કરોડની જાહેરાત કરવામાં આવતા મહીસાગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે.
અત્યાર સુધીમાં 93,827 પર્યટકો અને 48,913 વિદ્યાર્થીઓ અને બાળકોએ 8 માસની અંદર 1,42,740 મુલાકાતીઓએ ડાયનાસોર પાર્કની મુલાકાત લીધી છે. જેની આવક રૂપિયા 55 લાખ 71 હજાર 124 થઈ છે. આમ ડાયનાસોર પાર્કનું આકર્ષણ વધતું જાય છે. પર્યટકોની સંખ્યા પણ વધતી જાય છે.
જેને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટમાં ડાયનાસોર પાર્કમાં વધતા પ્રવાસીઓને ધ્યાનમાં લઇ અને વધુ વિવિધ સવલતો પ્રવાસીઓને મળી રહે અને ડાયનાસોર પાર્કનો વધુ વિકાસ થાય તે માટે નાણાંપ્રધાન નિતિન પટેલે રૂપિયા 10 કરોડની જોગવાઇ બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્ક માટે કરતા મહીસાગર જિલ્લામાં આનંદ વ્યાપી ગયો હતો.