- બાજરી, કપાસ અને તલનો પાક સુકાવાના આરે
- જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ડાંગરની રોપણી
- નહીવત વરસાદને કારણે જળાશયોમાં પણ સ્તર નીચા
મહીસાગર: સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસ્યો નથી. મહિસાગર જિલ્લામાં પણ વરસાદ ખૂબ ઓછો વરસ્યો છે. શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ પાકની વાવણી કરી હતી. પરંતુ હાલમાં વરસાદ ખેંચાતા ખેડુતોએ વાવેલો પાક સુકાઇ રહ્યો છે. જેથી ખેતી નિષ્ફળ જવાની શક્યતાઓ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. જેથી ખેડૂતોએ ખેડ-ખાતર અને મોંઘા ભાવના બિયારણો પાછળ કરેલો ખર્ચ નકામો થયો છે. અને ખેડૂતો વાવેલા પાકને લઈ ચિંતિત બન્યા છે.
પાક સુકવવાની આરે
મહિસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતના સમયે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખેતી કામે લાગ્યા હતા. ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર બિયારણ અને ડીઝલ લાવી ખેતરમાં પાકની વાવણી કરી હતી. જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ડાંગરની રોપણી થાય છે. જેમાં પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. પરંતુ શરૂઆતમાં સારા વરસાદ બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ન પડતા ખેડુતોએ વાવેલો ડાંગર, મકાઈ, બાજરી, કપાસ અને તલનો પાક સુકાવાના આરે પહોંચ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં જિલ્લામાં 34 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જિલ્લામાં રહેલા જળાશયોમાં પણ નહીવત વરસાદને કારણે સપાટી નીચી જતાં સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરી દેવાના આરે આવી પહોંચ્યું છે.