- સરકારી કચેરીમાં ખેડૂતે આત્મહત્યા કરી
- જવાબદાર સામે એફઆઈઆર નોંધાય તેવી પરિવારની માગ
- પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર
મહીસાગરઃ જિલ્લાની તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ખેડૂતના આત્મહત્યા બાદ તેના પરિવાર જનોએ હોબાળો મચાવી મૃતદેહ ન સ્વીકારતા જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવા ઇનકાર કર્યો હતો.
તાલુકા પંચાયતમાં ખેડૂતે કરી આત્મહત્યા
મકાન સહાય અર્થે સરકારી સહાય ન મળતા ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું હતુ. મળતી વિગત અનુસાર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર તાલુકા પંચાયત ખાતે એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. ખેડૂત ખાનપુરના વાંદરવેડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સરકારી કચેરીમાં ખેડૂતે આત્મહત્યા કરી લેતા તેના પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી. ખાનપુરના વાંદરવેડા ગામના ખેડૂત બળદેવસિંહ ચારણે બાકોર તાલુકા પંચાયતમાં તેમણે કોઈ મકાનની સહાય માટે અરજી કરેલી હતી પરંતુ તેમને અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમજ મકાન સહાયની અરજીને લઈ અનેક વખત ધક્કા ખાવા છતા કોઈ પણ સહાય ન મળતા તથા કોઈ પણ કર્મચારી કે પદાધિકારી કે અધિકારી તેમની વાત સાંભળતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. છેવટે તેણે કંટાળી કચેરીમાં જ આત્મહત્યા કરી લીધો છે.