વાત જાણે એમ છે કે, નાની રેલ-પૂર્વ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સ્વ.પ્રેમચંદભાઇ કટારા એક આદર્શ શિક્ષક હતા. તેઓ સમયના ભારે પાબંદ ! ગામમાં એવું કહેવાતું કે, પ્રેમચંદભાઇના પગ અને ઘડિયાળના કાંગ એક સાથે ચાલે ! આસપાસના ગામોના અનેક છાત્રોની કારકીર્દી ઘડતર અને ગુણાત્મક પરિવર્તનમાં તેમનો અનન્ય ફાળો રહેલો. તેમના ત્રણ પુત્રને ઉચ્ચત્તમ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે બલૈયાની શ્રેયસ હાઇસ્કૂલમાં મૂક્યા. આ હાઇસ્કૂલની સ્થાપના 1971માં થયેલી. શાળા ગરીબ પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ છે.
સ્વ. પ્રેમચંદભાઇના ત્રણ બાળકો રમેશચંદ્ર, નવીનચંદ્ર અને મહેશચંદ્ર શ્રેયસ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી આગળ જતાં રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારી બન્યા. થોડા વર્ષો પૂર્વે પ્રેમચંદભાઇનું અવસાન થયું. પરંતુ, તેમના પત્ની ગં.સ્વ.મસીબેને મનમાં ગાંઠ વાળી કે શિક્ષણ માટે કશું કરવું. તેમના આ સંકલ્પની પાશ્ચદભૂમાં પરિવારનું શિક્ષણ અને જ્ઞાનનું વાતાવરણ હતું. તેમને મળતા પેન્શનમાંથી થયેલી બચતને શિક્ષણના સદ્દકાર્યમાં ઉપયોગ કરવાનું નિયત કર્યું. તેમના ત્રણેય પુત્રોએ પણ માતાના આ વિચારને વધાવી લીધો. અંતે એવુ નક્કી થયું કે, ત્રણેય પુત્રોએ જ્યાં શિક્ષણ લીધું તે શ્રેયસ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી છાત્રોને કાયમી રીતે રોકડ પુરસ્કાર મળતો રહે એવી રીતે દાન કરવું. ઉદ્યોત્તેજક કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ હાઇસ્કૂલને રૂપિયા 1 લાખનું દાન આપવું. તેના વ્યાજમાંથી આવતી રકમમાંથી પ્રતિ વર્ષ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ થનારા છાત્રોને હરી ઓમ તેજસ્વી છાત્ર પુરસ્કાર આપવો. આ શુભ સંકલ્પ આજે સાકાર થયો. આજ વર્ષથી છાત્રોને પુરસ્કાર આપવામાં આવ્યા. બલૈયામાં યોજાયેલી એક સભા દરમિયાન શાળા પરિવારને ગં.સ્વ.મસીબેને ₹ 1 લાખનો ચેક અર્પણ કર્યો હતો. સાથે, બાળકોને પારિતોષિક પણ આપ્યા હતાં. જેના પગવે શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગના પ્રતિભાવમાં સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ કહ્યું કે, ખરા અર્થમાં દાતા તો ઇશ્વર છે, જેમણે માનવજાતને ઘણુ બધુ આપ્યું છે. અમને આ શાળાએ ઘણુ બઘુ શીખવ્યું છે. અમારી કારકીર્દિના ઘડતરમાં શાળાનો મહત્વનો ફાળો છે. અમારા માતૃશ્રીએ ઋણ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ શાળાના બાળકોને કારકીર્દી ઘડતરનું લક્ષ્ય નક્કી કરી, સમયબદ્ધ રીતે અભ્યાસ કરવા માટે શીખ આપી હતી. તેઓએ શિક્ષકોને પણ ઉમદા હેતું સાથે શિક્ષણકર્મ કરવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ નાયબ માહિતી નિયામક સુરેન્દ્ર બલેવિયા, શાળા પરિવારના ભરતભાઇ પંચાલ, જયંતિભાઇ પંચાલ, સરપંચ ભરતભાઇ ડિંડોડ, અમરસિંહભાઇ લબાના, આચાર્ય જે. ડી.લબાના ઉપસ્થિત રહ્યા હતાં.