- ઇનોવેશન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ
- માતા યશોદા એવોર્ડ અને પોષણ રેસીપી બુકનું અનાવરણ
- કુપોષણ મુક્ત મહીસાગર બનાવવા પર ભાર
લુણાવાડા: રાષ્ટ્રીય પોષણ અભિયાન "સહી પોષણ દેશ રોશન"ના મંત્ર સાથે નાના બાળકો, કિશોરીઓ અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા સાથે જન ભાગીદારીને પ્રોત્સાહન આપી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ઇનોવેશન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ, માતા યશોદા એવોર્ડ અને પોષણ રેસીપી બુકનું અનાવરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટના અધ્યક્ષસ્થાને સંતરામપુર તાલુકાના ગોઠીબ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
મહાનુભાવોએ લોકભાગીદારી અને જનચેતના દ્વારા કુપોષણ મુક્ત મહીસાગર બનાવવા પર ભાર મુક્યો પ્રાસંગિક ઉદ્બોધનમાં સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કુપોષણમાં ઘટાડો કરવામાં સરકારના સંકલિત બાળ વિકાસ વિભાગની યોજના હેઠળ પોષણ સંદર્ભે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી સફળતા મળી રહી છે. મહાનુભાવોએ લોકભાગીદારી અને જનચેતના દ્વારા સૌના સહિયારો પ્રયાસ કરી કુપોષણ મુક્ત મહીસાગર બનાવવા પર ભાર મુક્યો હતો.
માતા યશોદા એવોર્ડ અને પોષણ રેસીપી બુકનું અનાવરણ
રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત વાનગી સ્પર્ધામાં 10 વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તો આ સાથે જે પોષણયુક્ત વાનગીઓના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે મહીસાગર જિલ્લાના તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ અંતર્ગત 12 આંગણવાડી કાર્યકરને રૂરિયા 21,000 અને 12 તેડાગરને 11,000 નો પુરસ્કાર, મોમેન્ટો અને પ્રમાણપત્ર, રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત વાનગી સ્પર્ધામાં 10 વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર વિતરણ તેમજ ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સંતરામપુર ઘટક-2 માં 2,000 લાભાર્થીઓને ગોળ, ચણા, લોખંડની કઢાઇ, ડેસ્ટ્રોરેંન્જ સીરપ, સેનેટરી નેપકીનની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષણયુક્ત વાનગીઓ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.
કિશોરીઓ દ્વારા બનાવવામાં આવેલા પોષણ યુક્ત 20 વાનગીઓ બનાવવાની સરળ રીતનો પુસ્તકમાં સમાવેશ
નોંધનીય છે કે, મહીસાગર જિલ્લાની કિશોરીઓ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ પોષણ યુક્ત 20 વાનગીઓ બનાવવાની સરળ રીતનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક જિલ્લાની દરેક આંગણવાડીઓ ખાતે મુકવામાં આવશે. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ કિશોરીઓ દ્વારા બનાવેલ વાનગીઓનું નિરીક્ષણ કરી સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ સમિતિ ચેરમેન ગંગાબેન પગી, બાંધકામ સમિતિ ચેરમેન પ્રકાશભાઈ કટારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર,પ્રાંત અધિકારી જાદવ, પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોર, આર.સી.એચ. ચૌહાણ,ટી.એચ.ઓ ગોસાઇ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાય.એચ.પટેલ, માંમલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર સહિત લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.