- મહીસાગર જિલ્લામાં વેક્સીનની સર્વે કામગીરી પૂર્ણ
- 700 થી વધુ ટીમો દ્વારા રસીકરણ સર્વેની નોંધણી
- કુલ 2 લાખ 26 હઝાર 40 લોકોની રસીકરણ માટે નોંધણી
મહીસાગરઃ જિલ્લામાં કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહ તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોના સંકલનથી સર્વે ટીમ દ્વારા ઉંમર અને કો-મોર્બિડીટીના ઠરાવેલા માપદંડો અનુસાર કોવિડ રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લામાં સર્વે કામગીરી પૂર્ણ કરાઇ છે. કોવિડ -19 રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં કોવિડ રસીકરણ સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ ડોર ટુ ડોર સર્વેની કામગીરી 10 ડિસેમ્બરથી શરૂ કરાઇ
મહીસાગર જિલ્લામાં કોરોનાની રસીકરણ માટે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી 10 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્મચારીઓની બનેલી 700 થી વધુ ટીમો દ્વારા મતદાન મથકોના વિસ્તારને આવરી લઈને રસીકરણને પાત્ર લોકોની નોંધણી નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓળખના પુરાવા જેવી વિગતો સાથે સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય કેર વર્કર 6689, પચાસ વર્ષથી નીચેના કૉ-મોરબીડ વ્યક્તિઓ 4920 તેમજ 50 વર્ષથી વધુ ઉંમરના 2 લાખ 14 હજાર 431 વ્યક્તિઓ મળી કુલ 2 લાખ 26 હજાર 40 લોકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે.