મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ટાઉન હોલ બનાવમાં આવી રહ્યો છે, તેમાં લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થઈ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે પ્રકારના આક્ષેપ સાથે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં અરજી કરી હતી.
આ અરજીની તપાસ માટે પ્રાદેશિક કમિશનરે મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને તપાસ સોપી હતી. જેમાં તેઓ ટાઉન હૉલમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની રહેશે. તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી દીધી છે. જે બાબતે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં તપાસ કરી હતી, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે, તે સ્થળની તપાસ કરી હતી. જેના કારણે લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.