લુણાવાડા: લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા ડૉ.જીગર પટેલ, ફિઝિશીયન, ડૉ. નિનામા મેડીકલ ઓફિસર, મેટ્રન સિસ્ટર પુષ્પાબેન પારગી, સિસ્ટર મીનાબેન ડી.બારીઆ તથા રીટાબેન પ્રજાપતિ તેમજ બિનલબહેન પટેલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કામ કરી રહ્યા છે. ત્યારે મેટ્રન સિસ્ટર પુષ્પાબેન પારગી, સિસ્ટર મીનાબેન ડી. બારીઆ તથા રીટાબેન પ્રજાપતિ તેમજ બિનલબહેન પટેલે કોરોનાના દર્દીઓને રાખડી બાંધતા કોવિડના દર્દીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કોરોનાની સારવાર લઈ રહેલા 30 દર્દીઓને રાખડી બાંધી દર્દીઓની ખુશીમાં અનેક ગણો વધારો કર્યો હતો.
લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને રક્ષાબંધન પર્વના દિવસે સ્ટાફની બહેનોએ રાખડી બાંધી - સ્ટાફ બહેનો દ્વારા દર્દીભાઇઓને રાખડી બાંધી
વૈશ્વિક મહામારી કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ સહિત રાજ્ય આ મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે લુણાવાડાના જનરલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીઓના ચહેરા પર રક્ષાબંધન પર્વના દિવસે પોતાની બહેનની યાદમાં નિરાશા જોવા મળી હતી. તેવા સમયે સરકારી દવાખાનામાં ઘટેલી ઘટનાએ રક્ષાબંધનની ભાવનાને નવા આયામો આપ્યા છે.
લુણાવાડા જનરલ હોસ્પિટલ
ફરજ બજાવતી બહેનોએ વધુમાં જણાવતા કહ્યું કે, રક્ષબંધનનો તહેવાર હતો અને અમે અમારા ભાઈઓને રાખડી બાંધવા જવાની સ્થિતિમાં ન હતા. એટલે અમે સારવાર હેઠળના કોરોના દર્દીઓને જ ભાઈ ગણી, એમને રાખડી બાંધી, અમારી ફરજના સ્થળે જ પર્વની ઉજવણી કરી છે. અહીંના તમામ દર્દીઓ સાજા અને સારા થઈને જાય એ જ શુભકામનાઓ અમે પાઠવી છે. નિર્મળ સ્નેહના પવિત્ર પર્વને ફરજ સાથે જોડીને નવો આયામ આપનારી આ કર્મયોગી બહેનો સાચે જ અભિનંદનને પાત્ર છે.