મહીસાગરઃ રાજ્યભરમાં પોષણ માહ 2020ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા સખી અને સહસખી દ્વારા પોષણ સંદેશાના તોરણ બનાવી પોષણ માહ અંગેના સંદેશ લખી પોષણ જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવામાં ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર, વેબીનાર, પૂર્વ પ્રસૂતિ તપાસ, સુખડી વિતરણ, હેન્ડ વોશ નિર્દેશન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
પોષણ તોરણ બનાવી પોષણ માહની ઉજવણી પોષણ માહમાં આ 5 જરૂરી ઘટકો પર ભાર મૂકવામાં આવશે
- બાળકના પ્રથમ 1000 દિવસ
- એનેમિયા
- ઝાડા નિયંત્રણ
- હેન્ડ વોશ અને સેનિટાઈઝેશન
- પૌષ્ટિક આહાર
પોષણ માહ 2020માં ઉપરોક્ત 5 બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ પૂર્ણા સખી અને સહસખી અને કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવામાં આવ્યા હતા. પોષણ તોરણમાં મુખ્ય 6 સંદેશા લખવામાં આવ્યા. જેમાં સ્વછતા, IFA ગોળીઓ, કૃમિનાશક ગોળીઓ, THR, પોષણ યુક્ત આહાર, મમતા દિવસના સંદેશાઓ પોષણ તોરણ પર લખી અતિકૂપોષિત બાળકો અને જોખમી સગર્ભા માતાઓને આપવામાં આવશે. આ સાથે સંદેશની સમજ પણ આપવામાં આવશે.
પોષણ તોરણમાં મુખ્ય 6 સંદેશા લખવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે, ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહની ઉજવણી (સર્વાંગી પોષણ માટે વડાપ્રધાનની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે. જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.
દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડશે.