મહીસાગરઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે મહીસાગર જિલ્લામાં આવેલ વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહની રાહબરીમાં મહીસાગર જિલ્લામાં મે-2020થી જુલાઇ-2020 દરમ્યાન જિલ્લામાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જેવા કે લુણાવાડા, ખેડાપા, ખાનપુર, સરસણ, ખારોલ, ઓથવાડ, મુનપુર, મલેકપુર-શામણા, ભરતપુર-વિરપુર, હાથીવન, થાણાસાવલી અને જનોડ ખાતે મેડીકલ ઓફીસરો, આયુસ મેડીકલ ઓફીસરો, અને રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ-ગોધરાનાં ર્ડોકટર તેમજ આરોગ્ય ટીમો દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પોમાં જિલ્લાના 652 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.