મહીસાગર : લુણાવાડા રાજપૂત સમાજ હૉલ ખાતે આશા સંમેલન અને આશા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મેળવનાર આશા બહેનોને અભિનંદન પાઠવવા સાથે તમામ આશા બહેનોને માતા મરણ અને બાળ મરણ અટકાવવા સંકલ્પ લેવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં કુપોષણથી મુક્તિ માટે ત્રિવેણી આંગણવાડી કાર્યકર, એ.એન.એમ, અને આશા મહત્વની કડી છે. તેમજ સૌએ સાથે મળીને સ્વસ્થ ભારતના નિર્માણ કટિબદ્ધ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન અને આશા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો - Mahisagar latest news
મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા લુણાવાડા રાજપૂત સમાજ હૉલ ખાતે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કડી સમાન આશા બહેનોના પ્રોત્સાહન માટે આશા સંમેલન અને આશા એવોર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ, અને જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહે આ સંમેલનમાં સૌને આવકારતા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અંગે જિલ્લાની કામગીરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે માતા અને બાળકના તંદુરસ્ત આરોગ્ય માટે સુચનો દર્શાવતો પપેટ શો અને બેટી બચાવો અંગે ડાયરો યોજાયો હતો. આ સમારોહમાં આશા આરોગ્યની કડી, એનડીડી કાર્યક્રમ, પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળ મરણ, માતા મરણ અટકાવવાની કામગીરી, સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ, બેટી બચાવો, કુટુંબ કલ્યાણ અંગે સમજૂતી આપવામાં આવી હતી.
તે ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર 38 આશા વર્કરને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેને આશા બહેનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ગંગાબેન પગી, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.ના એડવાઇઝરી કમીટીના ચેરમેન શ્રીમતી નિરુબા સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, આયુષ તબીબો, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહી હતી.