કડાણા: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ કે જે ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતો ડેમ છે અને આ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં અને ડેમ સંપૂર્ણ ભરાતાં જળસંગ્રહ માટે ડેમના તમામ ગેટ આજે સવારે બંધ કરવામાં આવ્યાં છે.
કડાણા ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમના તમામ ગેટ બંધ કરવામાં આવ્યાં - ડેમ
ગુજરાતમાં આ વર્ષે ઓગસ્ટમાં મેઘરાજાની મહેરબાનીએ કરીને ખૂબ સરસ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાત માટે મહત્ત્વનો એવા કડાણા ડેમમાં સારા વરસાદને પગલે વિશાળ જળરાશિ ઘૂઘવી રહી છે. હાલમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે કડાણા ડેમાં ઉપરવાસમાંથી આવતું પાણી બંધ થયું છે. જોકે ડેમ તેની ક્ષમતા મુજબ પૂર્ણપણે ભરાઈ જતાં જળનો જથ્થો સંગ્રહિત કરવા માટે ડેમના તમામ ગેટ આજે બંધ કરી દેવાયાં છે.
ડેમના ઉપરવાસમાંથી 22,685 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને જેની સામે ચાર પાવર હાઉસ કાર્યરત રાખી 20,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 1,000 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમ સંપૂર્ણ ભરાતાં ડેમના તમામ ગેટ બંધ કરી અને ડેમમાં પાણીની આવક મુજબ 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત રાખી પાવર હાઉસ મારફતે વધારાનું પાણી મહીં નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી લાખો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમ સંપૂર્ણ ભરાતાં આ ડેમ પર નિર્ભર મહીસાગર જિલ્લા સહિત રાજ્યના વિવિધ 8 જિલ્લાઓ માટે આગામી સમયમાં પીવા તેમ જ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.