મહીસાગરઃ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને જિલ્લા ખેતીવાડી અધિકારી સમીત પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત પત્રકારોને આ ખાસ ઝુંબેશ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થાય તે માટે તારીખ 23 ફેબ્રુઆરી 2020 સુધી ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.
મહીસાગરમાં તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ આવરી લેવાશે - Mahisagar samachar
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળના મહીસાગર જિલ્લાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ આવરી લેવાશે. જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને નજીકની બેંક શાખાનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ખાસ અપીલ કરી છે.
મહીસાગર જિલ્લામાં હાલમાં કુલ 134760 ખેડૂત લાભાર્થીઓ પી.એમ. કિસાન યોજનાનો લાભ લીધેલ છે, જે પૈકી 56641 ખેડૂતો પાસે હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે. બાકી રહેલ તમામ પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ આવનારા સમયમાં આ ખાસ ઝુંબેશ દરમિયાન આપની નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવી. તેમજ જે ખેડૂત લાભાર્થીઓ હાલ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે અને તેમની ક્રેડિટ લીમીટમાં વધારો કરવા અથવા પોતાના ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો જેવા કે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ કરી ક્રેડિટ લીમીટમાં વધારો કરવા પણ આ ખાસ ઝુંબેશ દરમિયાન તેઓની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે.
પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ કરનારા તમામ લાભાર્થીઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ માટે ખેડૂત લાભાર્થીઓએ અરજીપત્રક પી.એમ. કિસાનની વેબસાઈટ અથવા આઈ-ખેડૂતની વેબસાઈટ પરથી મેળવી ફોર્મ ભરી નિયત સાધનિક કાગળો સહિત પોતાની સર્વિસ એરિયા બ્રાંચ ખાતે જમા કરવાના રહેશે.