મહીસાગર : અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. મહીસાગર જિલ્લામાં અખાત્રીજના શુભ મુહૂર્તને લઇને ખેડૂતો ખેતરમાં પૂજાઅર્ચના કરીને ખેતરના કામોની શરૂઆત કરી હતી. ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે ધરતીપુત્રોના પરિવારના સભ્યો દ્વારા હળ જોડી ખેતી કાર્યનું મુહૂર્ત કાર્ય શરુ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતાં ખેડૂતોએ સવેડુ, કળીયું, સમાર અને ટ્રેક્ટર જેવા સાધનોનું મુહૂર્ત કરી ખેતીનો શુભારંભ કર્યો છે.
પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત : મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ અખાત્રીજના અનેરા દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત કરી હતી. આજે અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વહેલી સવારે મુહૂર્ત સમયમાં ખેતરમાં ખેતીના ઓજારો સવેડુ, કળીયું, સમાર અને ટ્રેક્ટરને તીલક કરી પૂજાઅર્ચના સાથે નવા વર્ષ માટેની ખેતીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પૂજાઅર્ચના કરીને સૌથી ઉપયોગી ગણાતા ખેડૂતોના વ્હાલા એવા બળદોની પણ પૂજા કરીને કુમકુમ તિલક બાદ ખેડૂત દ્વારા બળદોને ગોળ ખવડાવીને મોં મીઠું કરાવાયું હતું. સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે. અખાત્રીજ એ ખેડૂતો માટે નવા વર્ષ સમાન ગણાય છે. આજના શુભ દિવસથી ખેડૂતો ખેતીની પ્રવૃત્તિમાં જોતરાય છે.
આ પણ વાંચો Akshaya Tritiya 2023: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ, આંખો બંધ કરી થાય શુભ કાર્યો આ દિવસે
જગતનો તાત આ દિવસની આતુરતાથી રાહ જોવે છે : આજે ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતરનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં વધુમાં વધુ અનાજ પાકે તેવી ખેડૂતો દ્વારા ધરતીમાતા પાસે પ્રાર્થના કરવામાં આવી છે. આ વર્ષ ખેતી અને પશુપંખી માટે સારું નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી. આજના દિવસથી બધા જ શુભ મુહૂર્તોની શરૂઆતને લઈને જિલ્લાના ખેડૂતો પોતાના કામોમાં જોતરાઈ ગયાં છે.
શુભ કાર્ય કરવા માટે તે શુભ સમય : અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે. શુભ કાર્ય કરવા માટે તે શુભ સમય માનવામાં આવે છે, એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસે નવા ધંધા-રોજગાર શરૂ કરી શકાય છે. આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. કેટલાક ખેડૂત બીજા ખેડૂત પાસેથી હોથ પર ખેતર લે છે અને હોથની વાર્ષિક રકમ આપી ખેતીની શરૂઆત અખાત્રીજથી કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો અને પોતાના પશુઓનું પૂજન કરે છે. નવા અન્નની પૂજા પણ કરે છે. જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.
આ પણ વાંચો Akshaya Tritiya 2023: અખાત્રીજના દિવસે સોનું સસ્તુ થયું, ડીલર્સ પણ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ
નવું વર્ષ ખેડૂતોનું સારું નીકળે : સલિયાવડીના ખેડૂત બળવંતસિંહ જણાવે છે કે આજે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ છે. જોડે જોડે પરસુરામ જયંતિ પણ છે. અખાત્રીજ એટલે ખેડૂતોનું નવું વર્ષ ચાલુ કરવાનું એમ મનાય છે. અમે ખેડૂત તરીકે આજે અમારે ટ્રેકટર છે એટલે અમે ટ્રેકટરથી અમારું ધરતી પૂજન પછી દાંતીનું પૂજન કર્યું, બીજા ખેત ઓજારોનું પૂજન કર્યું અને નવું વર્ષ ખેડૂતોનું સારું નીકળે એવી અમે ધરતી માતાની પૂજા કરી છે.
વૈશાખ સુદ ત્રીજ ખેડૂતોનો તહેવાર : અન્ય ખેડૂત સિદ્ધાર્થ ઝાલા જણાવે છે કે આજે વૈશાખ સુદ ત્રીજ ખેડૂતોનો તહેવાર, અખાત્રીજના નિમિત્તે અમે અમારા ખેતરમાં આવ્યા છીએ અને અખાત્રીજનું પૂજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી કરતાં આવ્યા છીએ એ રીતે અમે પૂજન કરવા આવ્યાં છીએ. અમે ટ્રેકટરથી પૂજન કર્યું છે. જેમાં દાંતી છે, અને સમાર છે. ત્યાર બાદ જેમકે ખેતીના ઓજારો ગણાય એવા હળ છે, કોદાડી છે એવા ઓજારોની પણ પૂજા કરી છે અને ધરતી પૂજન પણ કર્યું છે. આવનાર વર્ષ અમારા માટે સારું નીવડે તેમજ અમારી ખેતી અને અમારો પાક સારો નીવડે એવું પૂજન ધરતીમાનું કર્યું છે.