- સુજલામ સુફલામ્ કેનાલમાંથી તળાવોમાં પાણી નાખવા સાંસદ દ્વારા રજુઆત
- જીલ્લાના મોટાભાગના ગામોને સિંચાઈની સુવિધા મળશે
- 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
મહીસાગર : લોકસભા 2019ની ચૂંટણી પૂર્ણ થયા પછી લુણાવાડા, કપડવંજ, કઠલાલ, બાલાસિનોરનો ઉપરવાસનો વિસ્તાર તેમજ વીરપુર તાલુકાના કેટલાક ગામો અને ખાસ કરીને અરવલ્લી જીલ્લાના કેટલાક ગામોમાં સિંચાઈની સુવિધા દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે તે માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ(Panchmahal MP Ratan Singh Rathore)દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે રુપિયા 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુજલામ સુફલામ્ કેનાલમાંથી સિંચાઈનું પાણી તળાવોમાં નાખવા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા સરકારમાં રજુઆત કરાતાં બાલાસિનોર તાલુકાના 35 જેટલાં ગામોને સિંચાઈની સુવિધા માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
પદાધિકારીઓ ઉપસ્થિતિ રહી સર્વેની કામગીરી શરુ કરી
બાલાસિનોર તાલુકાના વડદલાના ગ્રામપંચાયતના ગામતળાવ, ગ્લાબજીના મુવાડા તથા ડોડીયા પેટાપરામાં સિંચાઇની સગવડ માટે તળાવો ભરવા, કંથરજીના મુવાડા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે સુજલામ સુફલામ કેનાલના એન્જીનિયર ઉદેસિંહ ઠાકોર, વાપ્કોસ સર્વે કંપનીના એન્જીનિયર તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો, આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિતિ રહી સર્વેની કામગીરી શરુ કરી છે. લીફ્ટ ઇરીગેશન કરી ખેડૂતોને પાણીની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.