મહીસાગર જિલ્લામાં આ વખતે વરસાદ સારો થતાં ખેડૂતોને સારી આવક થાય તેવી આશા સેવી રહ્યાં છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, ખાનપુર તાલુકાના ખેડૂતોએ વરાપ આવતા પોતાના ખેતરોમાં વાવણી બાદ ઉગેલા પાકને બચાવવા અને પાકની સારી ઉપજ માટે નિંદણ કરવાનું કામ શરૂ કર્યુ છે.
મહીસાગરમાં વરાપ આવતા ખેડૂતો નિંદામણ કામે લાગ્યાં નિંદણ એટલે શું?
ખેતીને રોગ, જીવાત, ઉંદર અને નિંદણથી નુકસાન થાય છે. રોગ દ્વારા 26.3 ટકા, જીવાત દ્વારા 9.6 ટકા, ઉંદર દ્વારા 13.8 ટકા અને નિંદણ દ્વારા સૌથી વઘુ 33.8 ટકા જેટલું નુકસાન થાય છે. નિંદણને કારણે જૂદા જુદા પાકોમાં ઉત્પાદનમાં ઘટાડો 10થી 100 ટકા જેટલો થઈ શકે છે. ખેતરમાં પાક સિવાય જે પણ ઘાસ-કચરું થાય તેને નિંદણ કહેવામાં આવે છે.
નિંદણ પાકને કઈ રીતે નુકસાનકારક?
નિંદણ પાકમાં બે રીતે નુકસાન કરે છે. ઉત્પાદનમાં ઘટાડો અને પાકની ગુણવત્તા બગાડે છે. પાક જમીનમાંથી પોષક તત્ત્વો અને પાણી તથા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ મેળવે છે અને આ ચારેય ઘટકો ભેગા થઈ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયાથી છોડમાં ખોરાક બનાવે છે. જેના કારણે છોડ વૃધ્ધિ અને વિકાસ પામી ઊચું ઉત્પાદન આપે છે. પરંતુ, નિંદણ આ ચારેય ઘટકો અને ખાસ કરીને જમીનમાં મર્યાદિત પ્રમાણમાં રહેલા પોષક તત્ત્વો તથા પાણી માટે પાક સામે હરીફાઈ કરે છે અને પાકના ભાગના ખોરાક પાણી તે પડાવી જાય છે. જે પાકની વૃધ્ધિમાં ધટાડો કરે છે. એટલે બે ચાસ વચ્ચે ઉગેલા નકામા ઘાસને દૂર કરવું જરૂરી બને છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસમાં જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. હાલમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા પડતા જમીન પોચી બની છે. જેથી કેટલાક ખેડૂતોએ નિંદામણ કરવું ટાળવુ પડ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ મોંઘા બિયારણ ખર્ચ કરીને વાવ્યા હતાં. ત્યારે, વરાપ આવતા કરોડી કાઢવી અને નિંદણ કાઢવાના કામે લાગી ગયા છે.