મહીસાગર: લુણાવાડા ખાતે યોજાયેલી આ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા તેમજ એજન્ડા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ અને નગરપાલિકા કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે, સરકાર ગ્રાન્ટ આપે છે તો કામની ગુણવત્તા જળવાવી જોઇએ.
બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા વિકેન્દ્રીત આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા. તાંત્રિક અને વહીવટી મંજૂરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફેરફાર કરાયેલા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતું અને વિકાસના કામો ઝડપી અને ગુણવત્તા યુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી પ્રધાન જયદ્રથસિંહજી પરમારે તેમના પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ સંબધિત અધિકારીઓ પાસેથી પ્રગતિમાં અને બાકી કામો અંગે માહિતી મેળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં અગાઉ મળેલ જિલ્લા આયોજન મંડળ તેમજ જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકની કાર્યવાહીમાં નોંધની બહાલી, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સામે મહીસાગર જિલ્લા માટે 2020-21 ના વર્ષમાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, જિલ્લા કક્ષા હેઠળ મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન મંજુર કરવા, બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ 2020-21નું નવીન આયોજન મંજુર કરવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર કરેલ વર્ષ 2018-19 અને 2019-20 ના માહે મે -2020 ના બાકી કામોની સમીક્ષા તેમજ MPLADS હેઠળ મંજુર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.