ગુજરાત

gujarat

ETV Bharat / state

નેશનલ કોવિડ સર્વે અંતર્ગત મહીસાગર જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવ્યા

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ક્યાં ક્યાં ફેલાયુ છે તે જાણવા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેતૃત્વમાં નેશનલ કોવિડ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મહીસાગર જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત મહીસાગર જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવ્યા
નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત મહીસાગર જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવ્યા

By

Published : May 24, 2020, 7:35 PM IST

મહીસાગરઃ ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ક્યાં ક્યાં ફેલાયું છે એ જાણવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેતૃત્વમાં નેશનલ કોવિડ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે કરવા માટે દેશના વિવિધ રાજ્યોના 60 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત દરેક જિલ્લામાંથી રેન્ડમલી 400 લોકોના સેમ્પલ મળી 24 હજાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેનો એન્ટી બોડી ટેસ્ટ કરાશે. જેના પરથી જાણવા મળશે કે દેશની વસ્તીમાં કેટલી હદ સુધી કોરોના વાઇરસ ફેલાયો છે.

નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત મહીસાગર જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવ્યા

આ એન્ટી બોડી ટેસ્ટ વ્યક્તિના લોહીના નમૂનાથી મહત્વપૂર્ણ જાણકારી આપે છે. જે કોઈ વ્યક્તિ આ વાઇરસના ઈન્ફેક્શનનો ભોગ બન્યો હતો કે નહીં તેની પણ જાણકારી આપે છે. એન્ટીબોડીએ હકીકતમાં એક પ્રોટીન્સ છે. જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

દેશનાં વિવિધ રાજ્યોના જે 60 જિલ્લાઓમાંથી લોહીનાં નમુના લેવામાં આવ્યા છે. તેનાથી જાણી શકાશે કે તેને ઇન્ફેક્શન થયું હતું કે નહીં. નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાંથી જે 60 જિલ્લા પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ગુજરાત રાજ્યના મહીસાગર, નર્મદા અને સાબરકાંઠા ત્રણ જિલ્લાની પસંદગી કરવામાં આવી આવી છે.

આ સર્વે અંતર્ગત મહીસાગર જિલ્લાની પસંદગી થતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહની રાહબરી હેઠળ આ સર્વેની કામગીરી હાથ ધરવા માટે સુચારું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

આ સર્વેની કામગીરી હાથ ધરવા માટે જિલ્લા ક્ષય અધિકારી એચ.વી.પરમારની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવા માટે રેન્ડમલી જિલ્લાના નવ ગામો અને બાલાસિનોર અર્બનની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લાના જે નવ ગામોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ફળવા, ઉખરેલી, માળ, નાના વડદલા, માખલીયા, લકડીપોયડા, વઘાસ, ફતાજીના ભેવાડા, ઘાટી નો સમાવેશ થાય છે.

મહિસાગર જિલ્લામાં નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત હાથ ધરવામાં આવેલા કામગીરીની વિગતો આપતા નોડલ અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી એચ.વી.પરમારે જણાવ્યું કે જિલ્લામાં રેન્ડમલી પસંદગી કરવામાં આવેલા દરેક ગામ માંથી 40-40 મળી કુલ 400 સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ દરેક ગામની મુલાકાત દરમિયાન સર્વેની કામગીરીમાં ICMR અને રાજ્ય- જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે હતી. કામગીરી દરમિયાન દરેક ગામમાં વસવાટ કરતાં રહેવાસીઓની મુલાકાત લઇ ગામની ચારેય દિશાઓમાંથી રેન્ડમલી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જે દરમિયાન દરેકને તેની સમજ આપવાની સાથે કુટુંબમાં રહેતા 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ સ્ત્રી-પુરુષની માહિતી એકત્ર કરીને તેને મોબાઇલ એપ્લિકેશનમાં વિગતો ભરવામાં આવતી હતી.

જે વ્યક્તિઓના સ્થળ ઉપર બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સેમ્પલમાંથી સીરમ સેમ્પલ છુટું પાડી આ સીરમ સેમ્પલ કોલ્ડ ચેઈનમાં અમદાવાદ મોકલી આપવામાં આવેલા છે. જ્યાંથી આ સેમ્પલ ચેન્નાઈ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ રીસર્ચ ઇન ટ્યુબરક્યુલોસિસ (NIRT) અને ICMR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમાયોલોજી (NIE) ની
પ્રયોગશાળામાં મોકલવામાં આવશે.

આ અંગેની વધુ જાણકારી આપતાં પરમારે કહ્યું કે, આ ટેસ્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ SARS COVID-19 ની એન્ટી બોડીની ખબર પડવાની સાથે તેના કોમ્યુનિટીમાં ઇન્ફેક્શન અંગેની જાણકારી મળી રહે છે. જે કોમ્યુનિટીમાં COVID-19 નો સામનો કરવા ટેસ્ટીંગ, કોન્ટેક્ટ ટ્રેસીંગ વગેરે બાબતોની રૂપરેખા (સ્ટ્રેટેજી) ઘડવામાં પણ મદદરૂપ થઈ શકશે. આ સમગ્ર કામગીરી ICMR અને રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વાર પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ જિલ્લાઓમાં ઇન્ફેક્શનની જાણકારી મેળવવાનો છે. જેમાં ટેસ્ટિંગ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV) એ બનાવેલી કોવિડ કવચ એલિસા કિટ્સનો ઉપયોગ કરવામાં આવશે.

આ એન્ટિબોડીઝ ટેસ્ટ વસ્તીમાં કોરોના કેટલી હદ સુધી ફેલાયો છે તેની જાણકારી મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આમ આ નેશનલ કોવિડ સેરો સર્વે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ કોરોના, (COVID-19) સામે લડવા અને રક્ષણ મેળવવા માટેની નવી રણનીતિ ઘડવામાં પણ ઉપયોગી નીવડશે.

ABOUT THE AUTHOR

...view details