- કાળીબેન તેમજ મુન્નીબેન નામની મહિલાઓની ધરપકડ
- ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ ડોકટરના લખાણ વગર આવી ક્યાંથી?
- પોલીસે બન્ને મહિલાઓની સઘન પૂછપરછ હાથ ધરી
મહીસાગર : જીલ્લામાં 2 દિવસ અગાઉ યુવતીનો ગર્ભપાત કરાતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં દેખાતી 4 મહિલાઓ પૈકી મહીસાગર LCBએ કાળીબેન તેમજ મુન્નીબેન નામની મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ બન્ને મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
મહીસાગરમાં ગર્ભપાતના વાઇરલ વીડિયોમાં દેખાતી 4 પૈકી 2 મહિલાઓ ઝડપાઈ ડોક્ટર કે મેડીકલ સ્ટોર સંચાલકની સંડોવણીની આશંકા
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે, કોના ઇશારે અને મદદગારીથી આવા અમાનવીય કૃત્યો કરવામાં આવતા હતા? કાળીબેન સંગાડા સ્થળ પર ભાડે મકાન રાખી રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસને તે મકાનમાં તપાસ કરતાં ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ મળી હતી. આ પ્રકારની ગોળીઓ ડોકટરના લખાણ વગર મળતી ન હોવા છતા ગોળીઓ આવી ક્યાંથી ? આ ઘટનામાં કોઈ મેડિકલ સ્ટોર્સ કે ડોક્ટરની સંડોવણી હોવાનું પણ માનવામાં આવી રહ્યા છે. ત્યારે ખરી હકીકત પોલીસ તપાસમાં જ બહાર આવશે.
શું હતી ઘટના ?
મહીસાગરના સંતરામપુરનો માનવામાં આવતો આ વીડિયોમાં કેટલીક મહિલાઓ એક યુવતીને ઉંઘાડીને તેના ગર્ભમાં રહેલા ભૃણને બહાર કાઢીને તેની હત્યા કરતી નજરે પડી રહી છે. ગોડાઉન જેવી દેખાતી જગ્યામાં આમ ખુલ્લેઆમ ગર્ભપાત કરતી મહિલાઓનો કોઈક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો. આ મહિલાઓ કોઈપણ પ્રકારની તકેદારી વગર ગર્ભપાત કરતી નજરે પડી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે બાળ આયોગે તપાસના પણ આદેશ આપ્યા છે.