મહીસાગરઃ જિલ્લામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વિકાસ કાર્યોની કડીના ભાગરૂપે મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 1065 કરોડની રકમના ચેક અર્પણ માટે ઓનલાઈન સમારોહ યોજાયો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિત અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓનલાઇન સમારોહમાં પ્રધાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
આ સમારોહમાં મુખ્યપ્રધાનના સંબોધન બાદ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશભાઇ પાઠકના અધ્યક્ષસ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાને રૂપિયા 2.75 કરોડના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, સંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, અગ્રણી જે.પી.પટેલ, અધિક જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, પાલિકા પ્રમુખો, પાલિકાના મુખ્ય અધિકારીઓ સહિત ઉપસ્થિત રહી ગાંધીનગર ખાતેથી ઓનલાઇન સમારોહમાં જોડાયા હતા.