મહીસાગર: ગુરુવારે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં 9, સંતરામપુરમાં 4 અને બાલાસિનોરમાં 1 મળીને 14 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 534 પહોંચી છે. જેમાંથી અત્યાર સુધીમાં 415 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
મહીસાગરમાં ગુરુવારે કોરોનાના વધુ 14 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 534 થઈ
મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગુરુવારે જિલ્લામાં વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 534 પર પહોંચી છે. દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યામાં વધારો થતા જિલ્લાવાસીઓએ વધુ સાવચેત રહેવું જરુરી બન્યું છે.
હાલમાં કોરોનાના 87 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં 12,045 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમજ 516 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 32 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જિલ્લામાં 19 દર્દીઓ બાલાસિનોરની કોવિડ-19 કે.એસ.પી. હોસ્પિટલ ખાતે, 15 દર્દીઓ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ લુણાવાડા ખાતે, 9 દર્દીઓ શીતલ નર્સીંગ હોમ લુણાવાડા ખાતે, 7 દર્દીઓ SDH સંતરામપુર, 23 દર્દીઓ હોમ આઈસોલેશનમાં તેમજ 14 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 84 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટિલેટર પર છે.