લુણાવાડા : કોરોના સંકટના કપરાકાળમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય યોજના 2020 હેઠળ ત્રીજા તબક્કાના જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં પણ લોકડાઉન હળવું કરવાને પગલે સલામત વિસ્તારોમાં મળેલી છૂટછાટની મર્યાદામાં મનરેગાના કામો હાથ ધરવામાં આવ્યા છે. મનરેગા યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર દ્વારા સંતરામપુર તાલુકામાં 86 ગ્રામ પંચાયતોમાં 104 જેટલા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંતરામપુરમાં 13,930 શ્રમિકોને મનરેગા હેઠળ મળી રોજગારી આ વિષે જાણકારી આપતાં એ.પી.ઓ. અજયભાઈ પટેલે જણાવ્યું કે, તાલુકામાં હાલમાં તળાવ ઉંડુ કરવાના, ચેકડેમ ઊંડા કરવાના, કોતર ડીસીલ્ટીંગનું કામ, કેનાલ ડીસીલ્ટીંગનું કામ, નવીન ચેક ડેમ, નવીન ચેકવોલ, તળાવની પાળ ઉપર પથ્થર પીચીંગનું કામ તેમજ પ્રધાનમંત્રી આવાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં 13930 જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યાં છે. જેનાથી તાલુકામાં 81700 જેટલા માનવજીવનની રોજગારી કોરોના સંકટ કાળમાં પૂરી પાડી રૂપિયા 195.85 લાખ જેટલી રકમ શ્રમિકોનાં બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. જેના થકી લોકડાઉનમાં પણ જરૂરીયાતમંદ શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળતા તે કોરોના સંકટમાં રાહતરૂપ પુરવાર થશે.
મનરેગા યોજના અંતર્ગત સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે તળાવ ઉંડુ કરવાનું કામ ચાલુ છે. જેમાં 618 જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યાં છે. આ તળાવમાં 4752 ઘન મીટર જેટલી માટી બહાર કાઢવામાં આવી છે. એટલે આ તળાવમાં 47.52 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. એટલે કે ગામમાં ભુગર્ભ જળ સ્તર ઊંચા આવશે. જેના થકી શ્રમિકોને 8346 માનવદિની રોજગારી પૂરી પાડી રૂપિયા 10.45 લાખ જેટલી રકમનું વેતન તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યું છે.
તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં કામ કરતાં શ્રમિક સવાભાઇ ખાંટએ જણાવ્યું કે, લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં અને કોરોના કહેરના સંકટના સમયે અમારા ગામમાં તળાવ ઉંડા કરવાની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવતાં ઘરઆંગણે રોજગારી મળવાનો અવસર મળ્યો તે ખરેખર સંકટની ઘડીમાં સરકાર અમારી વ્હારે આવી રોજગારી પૂરી પાડી તે અમારા માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. સરકારની ગાઈડલાઈન અનુસાર, કોરોના સંદર્ભેની તકેદારીનાં પગલાંઓ લઈ, જેમાં સામાજિક અંતર જાળવવા સાથે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ, છાંયડો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્યની તપાસ પણ કરવામાં આવે છે. આ સાથે મનરેગા હેઠળ નિયમો અનુસાર વેતન આપવામાં આવે છે.