મહા વાવાઝોડુંનું સંકટ સામે દેખાઈ રહ્યું છે. આવા સમયે માછીમારોની બોટ દરિયામાં હોય તે બાબત અતિ ગંભીર છે. કચ્છના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટમાંથી 400 બોટ પરત આવી નહોતી. પરંતું જવાબદારોએ પહેલા માત્ર જાણકારી આપીને જ કામ કર્યાનો સંતોષ માન્યો હતો. આ બાબત મીડિયામાં ઉજાગર થયા પછી જવાબદારો સતર્ક થયા હતા. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદથી વહીવટીતંત્રે જખૌ બંદરની તમામ બોટ પરત લાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
કોસ્ટ ગાર્ડ અને પોલીસની મદદથી કચ્છની 320 બોટ પરત બોલાવાઈ, 80 બોટ હજુ પણ દરિયામાં
કચ્છઃ મહા વાવાઝોડું ગુજરાતના 6, 7 તારીખે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ આપાતકાલિન પરિસ્થિતીને પહોંચી વળવા કચ્છનું તંત્ર સતર્ક છે. ખાસ કરીને કચ્છના જખૌ મત્સ્ય બંદરની દરિયામાં રહેલી બોટ બંદર પર પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 400 બોટ દરિયામાં હતી. જેમાંથી હવે માત્ર 80 બોટ દરિયામાં છે, બાકીની બોટ પરત બોલાવામાં હતી. જેને જખૌ બંદર સહિત સલામત સ્થળે ખસેડાઈ હતી.
જખૌ અને કંડલાની 150 બોટ્સ હજુ પણ દરિયામાં હતી. જો કે કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દરિયામાં છે અને મંગળવાર સાંજ સુધી બોટ પરત લાવે તેવી શક્યતા છે. જોકે કેટલીક બોટ જખૌ સિવાયના અન્ય બંદરો પર ગઇ હોય તેવી પણ શક્યતા છે. તમામ બોટ વાવાઝોડાની અસર પહેલા પરત ફરે તેવા પ્રયત્નો વહીવટી તંત્રે શરૂ કર્યા છે. તંત્રના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી 80 બોટ દરિયામાં હતી. જેનો સંપર્ક કરી પરત લાવવાની કાર્યવાહી ચાલુ છે. નોંધનીય છે કે સંપર્ક ન થઈ શકવાને કારણે 40 જેટલી બોટ કરંટ ધરાવતા દરિયામાં રહી ગઈ છે. હાલ તંત્રે માછીમારીના ટોકન સ્થગિત કરી દીધા છે, ઉપરાંત કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક છે.